તમને ખબર છે ? ગુજરાતનો દરિયા કિનારો આટલી ડોલ્ફિનનું ઘર છે

ગાંધીનગરઃ દરિયામાં ઉછળતી ડોલ્ફિન જોવાનો પણ એક લ્હાવો હોય છે. લોકો આ માટે ખાસ વિદેશોના અમુક બીચ પર જાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતનો દરિયાકિનારો અંદાજે ૬૮૦ ડોલ્ફિન્સનું ઘર છે. આજે નેશનલ ડોલ્ફિન ડે છે ત્યારે ચાલો જાણીએ આ વિશે.
ગુજરાત સમગ્ર દેશમાં સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે જેમાં, સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ડોલ્ફિન પણ મોટી સંખ્યામાં જોવા મળે છે.
તાજેતરમાં રાજ્યના વન વિભાગ દ્વારા ગુજરાતમાં ‘ડોલ્ફિનની વસ્તી ગણતરી’ કરવામાં આવી હતી. ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે.

ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો દરિયાકિનારો ડોલ્ફિનના ઘર તરીકે પ્રસ્થાપિત થયો છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના, ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા ૧,૩૮૪ ચો.કિ.મીનીના વિસ્તારમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન હોવાની સંભાવના છે. જ્યારે કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮, ભાવનગરના ૪૯૪ ચો.કિ.મી.માં ૧૦ તેમજ મોરબીના ૩૮૮ ચો.કિ.મી.માં ૪ ડોલ્ફિન જોવા મળી છે. આમ કુલ મળીને ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયા વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ છે, જે સમગ્ર રાજ્યની શોભા વધારે છે.
સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી છે. આ ડોલ્ફિનને બચાવવામાં કચ્છથી ભાવનગર સુધી દરિયામાં માછીમારી કરતા માછીમાર ભાઈઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. આ સર્વગ્રાહી પ્રયાસોના પરિણામે ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ – વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચો: મલેશિયાની પેલિકન નેચરલ ક્લ્બ દ્વારા કચ્છમાં વસવાટ કરતા જળચરોની વસ્તી ગણતરી હાથ ધરાઈ

ગુજરાતમાં જોવા મળતી ડોલ્ફિન છે સ્પેશિયલ
ગુજરાતના દરિયાકાંઠાના પાણીમાં ‘ઇન્ડીયન ઓસન હમ્પબેક ડોલ્ફિન’ જોવા મળે છે. હમ્પબેક ડોલ્ફિન વધારે પ્રમાણમાં અરબી સમુદ્રમાં મળી આવે છે, તેને વિશિષ્ટ ખૂંધ અને વિસ્તરેલી ડોર્સલ ફિન એટલે કે, પૂંછડીથી ઓળખી શકાય છે. ડોલ્ફિન તેમના ફ્રેન્ડલી અને ક્યુરિઅસ નેચર માટે જાણીતી છે. ડોલ્ફિન ઘણીવાર લહેરોમાં કૂદતી અને રમતી જોવા મળે છે, જે પ્રવાસીઓને તેમના એક્રોબેટિક જોવાની મજા પડી જાય છે. તેમનું શરીર આકર્ષક અને મોઢાનો આકાર ‘બોટલ’ જેવો હોવાથી તેમને સરળતાથી ઓળખી શકાય તેવી છે. ડોલ્ફિનનો મુખ્ય ખોરાક માછલીઓ અને કરચલા, જિંગા હોવાથી દરિયાકિનારા અને નદીમુખો પાસે જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ગંગા ડોલ્ફિન છે, તે પવિત્ર ગંગા નદીની શુદ્ધતા દર્શાવે છે. ભારત સરકારે તા. ૫ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ ડોલ્ફિનને ભારતના રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કર્યું છે.