બસ, ટ્રેન, વિમાન અને મેટ્રો અકસ્માત વળતરના નિયમો જાણો: ક્યાં મળે છે સૌથી વધુ રકમ?
સ્પેશિયલ ફિચર્સ

બસ, ટ્રેન, વિમાન અને મેટ્રો અકસ્માત વળતરના નિયમો જાણો: ક્યાં મળે છે સૌથી વધુ રકમ?

Accident government compensation: વર્ષ 2025માં દેશમાં વિમાન દુર્ઘટના, નાસભાગની દુર્ઘટના અને આગ લાગવાની દુર્ઘટના જોવા મળી છે. આ દુર્ઘટનાઓમાં અનેક લોકોનું મૃત્યુ થયું છે, તો ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતોના સંજોગોમાં સરકાર દ્વારા મૃતકો તથા ઇજાગ્રસ્તોના પરિવારજનોને વળતર આપવામાં આવે છે. સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોને વળતર આપવા માટે દરેક પરિવહન ક્ષેત્ર માટે ચોક્કસ કાયદાઓ અને નિયમો નિર્ધારિત છે. આવો જાણીએ આ નિયમો કયા છે અને તેના હેઠળ કેટલું વળતર આપવામાં આવે છે.

વિમાન અકસ્માતમાં સૌથી વધુ વળતર

માર્ગ અકસ્માતો માટે વળતરની રકમ સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ તે મોટર વાહન કાયદાની કલમ 164 હેઠળની જોગવાઈઓને આધીન હોય છે. વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિવારને રૂ. 5 લાખ સુધીનું વળતર આપવામાં આવે છે. જો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય તો તેને 2.5 લાખ સુધીનું વળતર આપવામાં આવે છે. ગંભીર કિસ્સાઓમાં, કેન્દ્ર સરકાર દ્વારા પણ વધારાનું વળતર (જેમ કે PMNRF માંથી) જારી કરી શકાય છે.

રેલ્વે અકસ્માતમાં વળતર આપવાની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. આ વળતર રેલ્વે અધિનિયમ, 1989ની કલમ 124 અને 124A હેઠળ પૂરી પાડવામાં આવે છે. રેલ્વે અકસ્માતના કિસ્સામાં વ્યક્તિનું મૃત્યુ થાય અથવા અપંગતા આવે તો માન્ય ટિકિટ ધરાવતા મુસાફરોનો પરિજનોને રૂ. 10 લાખ સુધી વળતર આપવામાં આવે છે. આ સિવાય ઇજા કે અપંગતાના કિસ્સામાં વ્યક્તિને રૂ. 2.5 લાખ સુધીનું વળતર આપવામાં આવે છે. ભૂલ કે બીમારીથી થયેલા મૃત્યુ/અકસ્માતમાં વળતર મળતું નથી.

વિમાન અકસ્માત માટે વળતર આંતરરાષ્ટ્રીય સ્તરે 1999ના મોન્ટ્રીયલ કન્વેન્શન દ્વારા નિયંત્રિત થાય છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ જો દુર્ઘટનાગ્રસ્ત થાય તો મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિજનોને 116,821 SDR (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ) સુધીનું વળતર, જે ભારતીય રૂપિયામાં આશરે રૂ. 14 મિલિયન જેટલું થાય છે. લોકલ ફ્લાઇટની દુર્ઘટનામાં મૃત્યુના કિસ્સામાં ઉડ્ડયન મંત્રાલય (2014ની સૂચના) મુજબ, એરલાઇન કંપની મુસાફરના પરિવારને રૂ. 2 મિલિયન સુધીનું વળતર પૂરું પાડે છે.

મેટ્રો અકસ્માતમાં દરેકને સમાન વળતર

મેટ્રો અકસ્માતના કિસ્સામાં વળતરમાં વધારો કરવા માટે જૂન 2025 માં નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો, જે તમામ મેટ્રો સેવાઓમાં લાગુ પડે છે. મેટ્રો અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મૃતકના પરિજનોને રૂ. 8 લાખ સુધીનું વળતર આપવામાં આવે છે. વ્યક્તિને ઈજાના કિસ્સામાં પણ રૂ. 8 લાખ સુધીનું વળતર આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, સરકારી વળતર ઉપરાંત જો કોઈ વ્યક્તિએ ટર્મ વીમો લીધો હોય, તો તે વળતરથી અલગ ગણાય છે. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને તેણે રૂ. 1 કરોડનો ટર્મ વીમો લીધો હોય, તો પરિવારને રૂ. 1 કરોડની રકમ વીમા કંપની પાસેથી મળશે. વીમો ક્લેઈમ કરવા માટે પંચનામું, પોસ્ટમોર્ટમ રિપોર્ટની નકલ, મૃત્યુ પ્રમાણપત્ર અને દાવેદારોની ઓળખ સંબંધિત દસ્તાવેજોની જરૂર પડે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button