Google Doodleએ પણ કરી મતદાનની અપીલ, આજથી લોકશાહીના મહાપર્વનો શુભારંભ
નવી દિલ્હીઃ આજથી ભારતમાં લોકશાહીના મહાપર્વ ચૂંટણીની શરૂઆત થઈ છે. આજે 17 રાજ્યની 102 બેઠક માટે પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે સર્ચ એન્જિન ગુગલે પણ પોતાના ડૂડલમાં વોટિંગ ફિંગર દર્શાવી ભારતની ચૂંટણીની નોંધ લીધી છે.
18મી લોકસભાની આ ચૂંટણી પર ભારત સાથે વિદેશના લોકોની પર નજર છે. માત્ર ભારત જ નહીં વિશ્વના નાના-મોટા લગભગ 70 દેશમાં 2024માં ચૂંટણી થશે, જેમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે.
વૈશ્વિક રીતે વિસ્તરતા વ્યાપાર ધંધા અને જીયો પોલિટિક્સ જોતા સૌથી મોટા લોકશાહી દેશ ભારતનો રાજકીય માહોલ સૌ કોઈના માટે મહત્વનો છે. વેપાર ધંધા, ઉદ્યોગો માટે એકબીજા દેશો સાથેના સંબંધો, વ્યવહારો, અભિગમો રાજકીય પરિસ્થિતિઓને આધીન હોય છે ત્યારે ભારતની ચૂંટણીના પરિણામો દરેક દેશને અસર કરે છે. એક તરફ એશિયાઈ દેશો, પાડોશી દેશો અને બીજી તરફ પશ્ચિમના દેશો સાથેનાં સંબંધો અને કૂટનીતિ દરેક પક્ષની અલગ અલગ હોય છે અને તેથી અન્ય દેશો પણ આપણા દેશની ચૂંટણી પર નજર રાખે છે.
આજે પહેલા તબક્કામાં મતદાન સવારે સાતથી શરૂ થઈ ગયું છે અને દક્ષિણની બેઠકો માટે સવારે નવ વાગ્યા સુધીમાં લગબગ 12 ટકા મતદાન થયાના અહેવાલો છે. દેશ આખામાં ભારે ગરમી અને લૂ હોવા છતાં લોકો મોટા પ્રમાણમાં મતદાન કરવા જાય તે માટેની તમામ કોશિશ ચૂંટણી પંચ કરી રહ્યું છે.