ભારતના કયા રાજ્યમાંથી મળે છે સૌથી વધુ સોનું? 90 ટકા લોકોને નહીં ખબર હોય નામ…

આજકાલ સોનાના ભાવ જે રીતે આસમાનને આંબી રહ્યા છે એ જોતાં સોનું મધ્યમવર્ગીય લોકોના હાથમાંથી નીકળી ગયું છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. આવી સ્થિતિમાં ભારતમાં સોનાનું સૌથી વધુ ઉત્પાદન કયા શહેરમાં કરવામાં આવે છે એ જાણવાની તાલાવેલી થાય એ સ્વાભાવિક છે. જો તમને પણ આવો સવાલ સતાવી રહ્યો છે તો આજે અમે તમને અહીં આ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
ભારત દુનિયામાં સોનાના સૌથી મોટા ગ્રાહકોમાંથી એક છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતની ધરતીમાં પણ સોનાનો મોટો ખજાનો છુપાયેલો છે? જોકે આપણે મોટાભાગનું સોનું આયાત કરીએ છીએ, પણ દેશના કેટલાક રાજ્યોમાં સોનાનું ઉત્પાદન અને તેના વિશાળ ભંડાર આવેલા છે. ભારતમાં સોનાનું ખોદકામ એ ટેકનિકલ રીતે અત્યંત જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે, કારણ કે અહીં સોનું સખત ખડકોની વચ્ચે છુપાયેલું હોય છે.
જો સક્રિય રીતે સોનાના ઉત્પાદનની વાત કરીએ, તો કર્ણાટક ભારતનું સૌથી મહત્વનું રાજ્ય છે. દેશમાં ખદાણમાંથી નીકળતા કુલ સોનાના ઉત્પાદનનું આશરે 99 ટકા ઉત્પાદન એકલા કર્ણાટકમાં થાય છે. રાયચુર જિલ્લામાં આવેલી હુટ્ટી ગોલ્ડ માઈન્સ ખાણ દેશની સૌથી જૂની અને અત્યારે સક્રિય એવી ખાણ છે. આ સિવાય કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ ખાણ પણ લાંબા સમય સુધી ભારતની ઓળખ રહી હતી, જોકે અત્યારે ત્યાં ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે.
સોનાના ઉત્પાદનમાં ભલે કર્ણાટક આગળ હોય, પણ જમીનની નીચે રહેલાં રિઝર્વની વાત કરીએ તો એ બાબતમાં બિહારનું નામ સૌથી ઉપર આવે છે. બિહારના જમુઈ જિલ્લામાં તાજેતરના વર્ષોમાં સોનાનો વિશાળ ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. સરકારી અંદાજ મુજબ અહીં હજારો ટન ખડકોમાં સોનું મોજૂદ છે, જેના પર હાલમાં કામ ચાલી રહ્યું છે.

જમીનમાંથી સોનું કઈ રીતે બહાર કાઢવામાં આવે છે એની વાત કરીએ તો ભારતમાં સોનું નદીઓની રેતમાં નહીં, પણ કઠણ ખડકોમાં જોવા મળે છે. આ માટે સૌથી પહેલાં ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI) સેટેલાઇટ ડેટા અને ડ્રિલિંગ દ્વારા ખડકોમાં સોનાની હાજરી તપાસે છે. ત્યાર બાદ ભારતમાં સોનાની ખાણો જમીનની અંદર ઊંડે હોય છે. વિસ્ફોટકો અને ભારે મશીનો દ્વારા ખડકો તોડીને પથ્થરોને સપાટી પર લાવવામાં આવે છે.
સપાટી પર લાવવામાં આવેલા પથ્થરોને મશીનમાં પીસીને બારીક કરવામાં આવે છે. ત્યારબાદ સાયનાઈડ જેવી રાસાયણિક પ્રક્રિયા હાથ ધરીને પથ્થરમાંથી સોનાના કણોને અલગ કરવામાં આવે છે. અલગ કરવામાં આવેલા સોનાને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. ત્યાં પ્રક્રિયા દ્વારા તેને 99.9% શુદ્ધ (24 કેરેટ) બનાવવામાં આવે છે. આ શુદ્ધ સોનામાંથી બિસ્કિટ, સિક્કા અને ત્યારબાદ સુંદર ઘરેણાં તૈયાર કરીને બજારમાં વેચવામાં આવે છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.



