નવરાત્રિનું ચોથું નોરતું: જાણો કેવી રીતે અષ્ટભુજા ધારી મા કુષ્માંડાએ રચ્યું હતું બ્રહ્માંડ

નવરાત્રિનો પાવન પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ લોકો મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે. આજે નવરાત્રિનો ચોથો દિવસ છે, આ દિવસે મા કુષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે વિશ્વમાં કઈ અસ્તિત્વમાં નહોતું અને અંધકાર જ વ્યાપી ગયો હતો, ત્યારે દેવાની એક મંદ મુસ્કાનથી આખું બ્રહ્માંડ રચાયું હતું. એટલે કે દેવી કુષ્માંડા જ સૃષ્ટિના આદિ સ્વરૂપા આદ્યશક્તિ છે. એમનો નિવાસ સૂર્યમંડળમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ મા કુષ્માંડામાં જ છે.
આ દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે, મા દુર્ગાના આ સ્વરૂપનું નામ કુષ્માંડા માના મંદ હાસ્યથી થયેલ બ્રહ્માંડની રચનાના કારણે પડ્યું છે. તેઓ આદિ શક્તિ અને સૂર્યલોકની અધિષ્ઠાત્રી છે, જેમનું વાસ સૂર્યમંડળની અંદર છે અને તેમનું તેજ સૂર્ય જેવું છે. કોઈ અન્ય દેવતા તેમના તેજની તુલના કરી શકતા નથી, અને તેમના પ્રકાશથી દસેય દિશાઓ પ્રકાશિત થાય છે.
મા કુષ્માંડાનું અષ્ટભુજા સ્વરૂપ
મા કુષ્માંડા અષ્ટભુજા ધારી છે, જેમાં તેમના સાત હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃત કલશ, ચક્ર અને ગદા છે, જ્યારે આઠમા હાથમાં જપમાળા છે જે તમામ સિદ્ધિઓ અને નિધિઓ પ્રદાન કરે છે. તેમનું વાહન સિંહ છે, જે શક્તિ અને સાહસનું પ્રતીક છે. આ સ્વરૂપ ભક્તોને તેમના જીવનમાં બળ અને બુદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
મા કુષ્માંડાની પૂજાનું મહત્વ
મા કુષ્માંડાની ઉપાસના કરવાથી ભક્તનું મન નિર્મળ બને છે અને તેને ભક્તિમાર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે છે. માનું આ સ્વરૂપ સેવા અને સરળ ભક્તિથી પ્રસન્ન થાય છે, શોસ્ત્રો પ્રમાણે મા દુર્ગાના આ સ્વરૂપની પૂજા ઉપાસનાથી ભક્ત ભવસાગર તરી જાય છે. તેમની કૃપાથી રોગ, શોક અને વિનાશથી મુક્તિ મળે છે, તેમજ આયુ, યશ, બળ અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્યારે પણ ભક્તને અઢળક પ્રયત્નો પછી પણ મનોવાંછિત પરિણામ ન મળે તો આ સ્વરૂપની આરાધના અચૂક ફાયદો આપશે.
કેમ કરશો મા કુષ્માંડાની પૂજા
નવરાત્રિના ચોથા દિવસે ઘટ સ્થાપના પાસે મા કુષ્માંડાનું આહ્વાન કરવું જોઈએ. તેમને ફળ, ફૂલ, ધૂપ, ગંધ અને ભોગ અર્પણ કરો, ખાસ કરીને માલપુઆનું ભોગ લગાવીને દુર્ગા મંદિરમાં બ્રાહ્મણોને પ્રસાદ વહેંચવો શુભ માનવામાં આવે છે. પૂજા પછી વડીલોના આશીર્વાદ લો અને પ્રસાદ વિતરણ કરો, જેનાથી જ્ઞાન અને કૌશલ વધે છે. માને પ્રસન્ન કરવામ માટે “સુરાસમ્પૂર્ણ કલશં રુધિરાપ્લુતમેવ ચ। દધાના હસ્તપદ્માભ્યાં કુષ્માંડા શુભદાસ્તુ મે॥” મંત્ર નો જાપ કરવો જોઈએ.