તમારી મજા સજામાં ના ફેરવાય, ઓળખ ચોરીનું મંડરાઈ રહેલું જોખમ, આ વાંચી લો…

આજકાલ લોકોમાં ગિબલી ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. રાજકારણીઓથી લઈને મોટી મોટી હસતીઓ સોશિયલ મીડિયા પર આગવી શૈલીમાં પોતાના ચિત્રો બનાવીને શેર કરી રહ્યા છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ જેવા વિવિધ સામાજિક માધ્યમો પર લોકો પોતાના ગિબલી શૈલીના ચિત્રો શેર કરી રહ્યા છે. લોકો સમજ્યા વિચાર્યા વિના આ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) દ્વારા તૈયાર કરવામાં ચિત્રો શેર કરી રહ્યા છે, પરંતુ લોકોને એ ખ્યાલ નથી આવી રહ્યો કે આખરે તેમના દ્વારા અપલોડ કરવામાં આવી રહેલી આ છબિઓનો ક્યાં અને કેવો ઉપયોગ ભવિષ્યમાં થઈ શકે છે. તેમણે શેર કરેલી માહિતી કેટલી સુરક્ષિત છે?
સૌથી પહેલાં તો તમને એ જણાવી દેવાનું કે ટેક્નોલોજીને ભૂલથી પણ હળવાશમાં લેવાનો પ્રયાસ કરવાનું માંડી વાળો. આડેધડ રીતે કોઈ પણ માધ્યમો પર આ ફોટો કે છબિઓ શેર કરવાનું તમારું પગલું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ ક્લિયરવ્યૂ એઆઈ નામની કંપની પર પરવાનગી વિના સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટ્સ પરથી ત્રણ અબજથી વધુ ફોટા ચોરી કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. આ માહિતી પોલીસ અને ખાનગી કંપનીઓને વેચી મારવામાં આવી હતી.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર Ghibli થીમ્ડ ફોટાનો ક્રેઝ વધ્યો, એઆઇના સીઇઓએ લોકોને કરી આ અપીલ
આ સિવાય ગયા વર્ષે મે મહિનામાં ઓસ્ટ્રેલિયાની જ આઉટબોક્સ કંપનીનો ડેટા પણ લીક થયો હતો અને એ સમયે પણ 10 લાખથી વધુ લોકોના ચહેરાના સ્કેન, ડ્રાઇવિંગ લાઇસન્સ અને સરનામા ચોરાઈ ગયા હતા. આ ડેટા એક વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેને કારણે હજારો લોકો ઓળખ ચોરી અને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા હતા.
તમને ભલે આ એઆઈ દ્વારા બનાવવામાં આવેલા ચિત્રો જોવામાં કે શેર કરવામાં મજા આવતી હોય પરંતુ સ્ટેટિસ્ટાના એક અહેવાલમાં ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીનું બજાર 2025 સુધીમાં $5.73 બિલિયન અને 2031 સુધીમાં $14.55 બિલિયન સુધી પહોંચવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ટોવેલના બંને છેડે કેમ પટ્ટા જોવા મળે છે? 99 ટકા લોકો નથી જાણતા એનું કારણ…
જો તમે ઇચ્છતા નથી કે તમારી ઓળખનો દુરુપયોગ થાય, તો આટલી સાવધાની રાખો
- ફોટા એઆઈ એપ્સ પર અપલોડ કરવાનું તાત્કાલિક બંધ કરો.
- સોશિયલ મીડિયા પર હાઇ-રિઝોલ્યુશન ફોટા અપલોડ કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો.
- આ ઉપરાંત ફેસ અનલોકને બદલે મજબૂત પાસવર્ડ અથવા પિનનો ઉપયોગ કરો.
- કોઈપણ અજાણી એપ ડાઉનલોડ કરતી વખતે તેને કેમેરાનો એક્સેસ આપશો નહીં.
- સરકાર અને ટેક કંપનીઓને એઆઈ અને ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીના ગેરકાયદેસર ઉપયોગ સામે કડક કાયદા બનાવવા માટે અવાજ ઉઠાવો.