ગાવસકરે કૉમેન્ટરીમાં ઑસ્ટ્રેલિયાના ટીનેજ ઓપનર સહિત બે ખેલાડીને કેમ વખોડ્યા?

મેલબર્ન: બોર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન ઑસ્ટ્રેલિયાના નવા ટીનેજ ઓપનિંગ બૅટર સૅમ કૉન્સ્ટેસે ગુરુવારની વિરાટ કોહલી સાથેની ટક્કર બાદ એ ઘટનાને હળવાશથી લઈને મામલો ઠંડો પાડી દીધો એને પગલે ક્રિકેટ જગતમાં કૉન્સ્ટેસની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જોકે ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે કૉમેન્ટરી દરમ્યાન કૉન્સ્ટેસ અને તેના સાથી બૅટર માર્નસ લાબુશેનને અન્ય એક મુદ્દે ખૂબ વખોડયા હતા.
ગુરુવારે મૅચના પહેલા દિવસે કૉન્સ્ટેસે 60 રન અને લાબુશેને 72 રન બનાવ્યા હતા. તેમની વિકેટ અનુક્રમે રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરે લીધી હતી.
કૉન્સ્ટેસ અને લાબુશેન જોડીમાં રમી રહ્યા હતા ત્યારે રન દોડતી વખતે તેઓ પિચ પર વચ્ચોવચ દોડતા હતા એ ગાવસકર અને તેમના સાથી કૉમેન્ટેટર ઈરફાન પઠાણને જરા પણ નહોતું ગમ્યું.
આ પણ વાંચો…સેન્ચુરિયન સ્ટીવ સ્મિથને કમનસીબી નડી, જુઓ કેવી વિચિત્ર રીતે ક્લીન બોલ્ડ થયો!
ઈરફાન કૉમેન્ટરી દરમ્યાન બોલ્યો કે ‘રોહિત શર્માએ લાબુશેનને કહ્યું કે તું રન લેતી વખતે પિચ પર વચ્ચેથી દોડે છે, એ બંધ કર.’
કૉમેન્ટરી બૉક્સમાંથી સુનીલ ગાવસકર તરત બોલ્યા કે ‘સેમ કૉન્સ્ટેસ પણ એવું કરી રહ્યો છે. અમ્પાયરોમાંથી કોઈ તેમને કંઈ કહેતું જ નથી. માત્ર જોયા કરે છે, બસ.’
પછીથી કૉન્સ્ટેસ અને લાબુશેને રન દોડતી વખતે પિચ પર વચ્ચે દોડવાનું ટાળ્યું હતું.