ગણેશજીને મોદક ઉપરાંત પ્રસાદમાં ધરો આ સ્વાદિષ્ટ અને સરળ બરફી, જાણો રેસીપી

ગણેશ ચતુર્થીનો તહેવાર ભારતભરમાં ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાય છે, જ્યાં ભક્તો ગણપતિ બપ્પાને ધૂમધામથી ઘરે લાવે છે. આ 10 દિવસનો પવિત્ર ઉત્સવ ભજન, કીર્તન અને આરતીથી ભરપૂર હોય છે, જે દરેકના મનને શાંતિ આપે છે. પરંતુ ઘણા લોકોમાં બપ્પાને ધરવામાં આવતા પ્રસાદની અસમનજશ જોવા મળતી હોય છે, કે બાપ્પાને મોદક અને લાડું ઉપરાંત શુ ધરી શકાય?
ગણેશ ચતુર્થી દરમિયાન લોકો વિધિ-વિધાનથી બપ્પાની પૂજા કરે છે અને સવાર-સાંજની આરતી દરમિયાન ભક્તિભાવનું વાતાવરણ બને છે. મોટા પંડાલોમાં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે, જ્યારે ઘરે પરિવાર અને પડોશીઓ સાથે મળીને બપ્પાની સેવા કરે છે. ભોગ માટે મોદક અને બેસનના લાડુની સાથે શાકભાજીથી બનતી બરફી જેવી મીઠાઈઓ પણ ચઢાવાય છે, જેની રેસીપી સરળ અને સ્વાદિષ્ટ હોય છે.
દૂધીની બરફીની રેસીપી
દૂધીની બરફી બનાવવા માટે પહેલા દૂધીની છાલ ઉતારી, તેને ધોઈને કદ્દૂકસ કરો. એક પેનમાં દૂધ ગરમ કરી, દૂધીનું પાણી નીચોવીને તેમાં નાખો અને ધીમી આંચે ચડાવો. ત્યારબાદ ખાંડ, બે ચમચી ઘી, એલચી પાવડર અને એક ચપટી લીલો ફૂડ કલર ઉમેરો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય અને પાણી ઓછું થાય, ત્યારે કાજુ, બદામ અને દ્રાક્ષ નાખી મિક્સ કરો. આ મિશ્રણને થાળીમાં નાખી, થોડું ઠંડું થાય પછી બરફીના આકારમાં કાપો.

કોળાની બરફીની રીત
કોળાની બરફી માટે કોળું છોલીને ઝીણું કદ્દૂકસ કરો. એક પેનમાં ઘી ગરમ કરી, કદ્દૂકસ કરેલું કોળું નાખી, પાણી સુકાય ત્યાં સુધી શેકો. બીજી બાજુ, અડધો કપ પાણીમાં ખાંડ નાખી ચાસણી તૈયાર કરો. કોળું પાણી શોષી લે પછી તેમાં ઘટ્ટ કરેલું દૂધ નાખો અને સુકાય ત્યાં સુધી ચડાવો. ત્યારબાદ ચાસણી ઉમેરી, ફરીથી સૂકવું. ઘી લગાવેલી થાળીમાં આ મિશ્રણ નાખો, ઠંડું થાય પછી ઈચ્છિત આકારમાં કાપો અને ઉપર મેવા શણગારો.

બીટની બરફીની રેસીપી
બીટની બરફી બનાવવા માટે બીટને સાફ કરી, કાપીને ઉકાળો અને પછી ગ્રાઇન્ડ કરો. એક પેનમાં ઘી ગરમ કરી, બીટનો પેસ્ટ નાખો અને પાણી ઓછું થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ કોર્ન ફ્લોરનું ઘોળ બનાવી તેમાં નાખો અને સતત હલાવો. હવે ખાંડ, કદ્દૂકસ કરેલું નાળિયેર અને મેવા ઉમેરો. પાણી સુકાય પછી ગેસ બંધ કરો. ઘી લગાવેલી થાળીમાં મિશ્રણ ફેલાવો અને ઠંડું થાય પછી બરફીના ટુકડા કાપો.
