લાફ્ટર આફ્ટર : ગજગામિનીનો ફેશન-શૉ
• પ્રજ્ઞા વશી
‘સાંભળો છો?’
‘કાન સાબુત છે. ક્યારના સાંભળો છો…સાંભલો છે? કહી કહીને બહેરો કરી દેશે. બોલો, ફરમાવો’
‘મારો આ વખતનો લેખ જોરદાર છે.’ તમે વાંચશો તો મારા ઉપર આફરીન થઈ ઊઠશો.’ (આફરો નથી ચડ્યો મને, તે હું તારા ઉપર આફરીન થઈ જાઉં! એ માટે તો સામેવાળી શું ખોટી છે?)
મારા લેખનો વિષય જ એટલો અફલાતૂન છે કે… શું કહું તમને… (કશું જ ના કહે તેમાં જ મજા છે.) હું આટલું બધું બોલી, તેનો જવાબ તો આપો. મોંમાં મગ ભરેલા છે?’
‘તું ક્યાંક અલ્પવિરામ કે પૂર્ણવિરામ જેવું કંઈક લે, તો હું એ ગેપમાં કંઈ બોલું ને…’
હું કહેતી હતી કે મારો લેખ વાંચીને વ્હોટ્સ એપ ઉપર મેસેજ પર મેસેજ ને ફોન ઉપર ફોન આવશે. એટલો અફલાતૂન ને જોરદાર લેખ છે, પણ તમે મને લેખનું નામ તો પૂછ્યું જ નહીં!
‘તે મારી આટલી સુંદર પત્નીનો લેખ અને એ શીર્ષક પણ એના જેવું જ સુંદર (અફલાતૂન-જોરદાર) જ હશે ને! આટલા વર્ષે વગર પૂછ્યે જ સમજી જાય તે જ ખરેખર પતિ!’ (પતી જાય.)
‘બે દિવસ પછી જોજો. મારા નામની ઇન્કવાયરી શરૂ થશે. લોકો બારણા ખખડાવશે. (બારણા ખખડાવશે તો જામીન હું નથી થવાનો કે છોડાવવાના પૈસા પણ ભરવાનો નથી.) તમારું કોયલું મોઢું જોઈને લાગે છે કે તમને પણ મારા દુશ્મનની જેમ મારી જલન થાય છે. ખરું ને? આખરે તમે બધા ભાઈઓ સરખા. બહેનોની પ્રગતિ તમારાથી ખમાતી નથી. ખરું ને? સાચી વાત છે ને?’
બે દિવસ બાદ બારણે ટકોરા પડ્યા. બે વાર ટકોરા થયા એટલે પતિદેવ અંદરથી ચિલ્લાયા.
‘બહાર ટકોરા પડે છે. જરા ગજગામિની કાયાને કાર્યરત કરો અને દ્વાર ખુલ્લા કરો. કદાચ તમારાં પ્રશંસકોની બહાર લાઇન લાગી હશે!’
(ગજગામિની બેઠાં બેઠાં ચોતરફથી ચરબીનો કબજો જમાવીને ફૂલ્યાં ફાલ્યાં છે. તે જલદી ચાલે પણ કઈ રીતે?)
| Also Read: અજબ ગજબની દુનિયા
બારણું ખોલતાં જ ચાર- પાંચ બહેન સુનામીની જેમ ઘરમાં ધસી આવ્યાં.
(ક્યારનાં દ્વાર ઉપર ઊભાં ઊભાં એમને પણ પગે પાણી જો ઊતર્યાં હતાં!) પૂછ્યા વિના જ, જ્યાં જગ્યા મળી, ત્યાં ફટાફટ બેસીને સમદુખિયણોએ હાંફી લીધું. (જો કે અમારી ગજગામિની પણ બારણું ખોલીને હાંફી ગયાં હતાં.)
બધાના શ્ર્વાસ ધીરે ધીરે હેઠા બેઠા. પછી એક ભવ્યાતીત બહેને ઘોઘરા ને મોટા અવાજે શરૂ કર્યું.
‘અમે ‘નારી ઉદ્ધાર’ સંસ્થામાંથી આવીએ છીએ. નારીઓનો બધા પ્રકારનો ઉદ્ધાર કરવાનું અમારું મહત્ત્વનું કાર્ય છે.’
(એ તો તમારી કાયા ઉપરથી જ દેખાય છે!) અમે બીજી પોકળ અને ફેક નારી સંસ્થાઓની જેમ પત્તા, કેરમ કે હા… હા હી… હી માં સમય પસાર કરતાં નથી.’ પછી જાણે કંઈ યાદ આવ્યું હોય તેમ, ‘હું તો તમને પૂછવાનું ભૂલી જ ગઈ. તે પેલાં ગુજરાતી નારીરક્ષણ પેપરમાં નારીલક્ષી કોલમ લખનાર કામિનીબહેન નામનાં લેખિકા આ ઘરમાં જ રહે છે ને?’
(બહાર નામ સાથે કામિનીજીનો ફોટો પણ મૂક્યો છે. છતાં આ બુદ્ધિજીવિનીઓ આવો પ્રશ્ર્ન પૂછે છે!)
‘એમનો આ વખતનો લેખ ‘કાયા તો કમનીય જ હોવી જોઈએ’ એટલો બધો જોરદાર છે, કે અમે નક્કી કરી જ લીધું કે અમારાં ગ્રૂપની બહેનોની કાયા રાતે ન વધે એટલી દિવસે વધે છે. ઘેરાવો હવે માઝા મૂકીને અફાટ દરિયાની જેમ ઘૂઘવે છે. દશે દિગંતમાં મન ફાવે તેમ બેકાબૂ બની, એ… તારે… જાય ચાલી. હવે એનું કંઈક તો કરવું જ રહ્યું. અમને હવે કામિનીબહેન ક્યાં છે તે જલદી કહો…. અમારી બધી બહેનો એમનો લેખ વાંચીને કામિનીબહેન પાસે પાતળા બનવાનો ઉપાય જાણવા માગે છે.’
બોલી બોલી થાક્યાં પછી એકને બ્રહ્મજ્ઞાન થયું. ‘હવે બધાં ચૂપ રહો. આ બહેન પણ અહીં કામિનીબહેનનો લેખ વાંચીને એમને મળવા આવ્યાં લાગે છે. એમને જ પૂછીએ કે કામિનીબહેન ક્યાં મળશે?’
| Also Read: ઔર યે મૌસમ હંસીં… -પિતૃઓને તર્પણ: તમને શું આવી અનુભૂતિ થઇ છે?
‘વહાલી બહેનો, હું જ કામિનીબહેન છું. ‘કાયા તો કમનીય જ હોવી જોઈએ’ એ લેખ મેં જ લખ્યો છે.!
એક બહેન પહેલાં તત… ફફ… કરીને માંડ માંડ ઘોઘરા અવાજે બોલ્યાં: ‘ખરેખર…? બહેન, તમે કામિનીબહેન જ છો કે પછી કંઈક મજાક કરો છો?’ બોલતાં બોલતાં એણે બીજીને કોણી મારી. (બહુ બોલતી હતી… તે હવે બોલને. જીભડી ક્યાં લપાઈ ગઈ? ફેશન – શોના ઉદઘાટનમાં આ મહાકાય કામિની થોડી કામણ કરી શકશે? કોઈ બહાનું કામે લગાડ.)
‘કામિનીબહેન, તમારો લેખ તો અમને બહુ જ ગમ્યો. અમે સંસ્થામાં એનું બધી બહેનો સામે વાંચન પણ કર્યું. બધાને પ્રેરણા પણ ખૂબ મળી છે.’ ટોળામાં એકને બોલવાનો મોકો મળ્યો નહોતો. એવી બહેન મોકો મળતાં જ, વિચાર્યા વિના બોલી પડ્યાં: ‘અમે તો તમને ફેશન શોના ઉદઘાટન માટે રિબીન કાપવા અને ભાષણ કરવા માટે આમંત્રણ આપવા આવ્યાં હતાં. પણ… પણ…’ (અમને ક્યાં ખબર હતી કે કામિની કમનીય નહીં, પણ કમાન તોડીને ચોમેર ફેલાયેલ…) કામિનીબહેને આગળ ચલાવ્યું કે, ‘હું રિબીન કાપવા કે ભાષણ કરવાનું કવર લેતી નથી. બહેનોની સંસ્થા એટલે મારી સંસ્થા…’ (બહેન, કવર તો શું, કવર વગર પણ તને ફેશન શોની રિબીન કપાવવા ઊભી રાખે તો ફેશનની સાથે બહેનોના પ્રોગ્રામનો પણ ફ્લોપ શો થાય. એનું શું?)
‘હા, તો કામિનીબહેન, અમે તારીખ નક્કી કરીને ફરી આવીશું.’
| Also Read: કેલુચરણ મહાપાત્ર મારા જીવનનો અદભુત વળાંક
બસ, એ પછી એ બહેનો એવું મોં ફેરવી ગઈ કે ઘરે જઈને આખેઆખો ફેશન-શો જ રદ કરીને, ‘ભજન કરવાના ફાયદા’ નામનો પ્રોગ્રામ રાખી લીધો અને યોગાનુયોગ લેખિકા કામિનીએ પણ ‘ભજન કરવાથી ચિત્તને શાંતિ મળે છે.’ એવો લેખ હવે ઘસડી માર્યો છે!