આવતીકાલથી આટલા સમય સુધી શમી જશે શરણાઈના સૂર…
બે દાયકા કરતાં વધુ સમય બાદ પહેલી વખત મે-જૂનમાં લગ્નનાં કોઇ મુહૂર્ત નથી

મુંબઈ: હિંદુ ધર્મ અનુસાર સગાઈ-લગ્ન હંમેશાં શુભ મુહૂર્તમાં કરવાં જોઇએ. એવી માન્યતા છે કે જો તમે શુભ મુહૂર્તમાં આવાં કાર્યો કરો તો એમાં તમામ દેવી-દેવતાની હાજરી રહેતી હોય છે અને તમારા પર તેઓ આશીર્વાદનો વરસાદ વરસાવતાં હોય છે, જેને કારણે લગ્ન બાદ તમારું દામ્પત્યજીવન સુખમય પણ બની રહે છે. ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિના આધારે શુભ મુહૂર્ત નક્કી થતાં હોય છે. શુક્ર ગ્રહનો સુખમય દામ્પત્યજીવન માટે ઉદય થવો ખૂબ જરૂરી છે. જો શુક્ર ઉદય અવસ્થામાં નહીં પણ અસ્ત અવસ્થામાં હોય તો એવા સમયે લગ્ન જેવાં શુભ કાર્યો નથી થતા.
શુક્રનો અસ્ત થતો હોય અને જો તમે એવા સમયે લગ્ન કરો છો તો તેને કારણે વૈવાહિક જીવનમાં કોઇ પણ પ્રકારની સમસ્યા કે પછી દોષ આવી શકે છે. મેષ રાશિમાં શુક્રનો અસ્ત ૨૫મી એપ્રિલના રોજ સવારે ૫.૧૯ લાગ્યે થઇરહ્યો છે અને ૨૯મી જૂનના રોજ તે અસ્ત જ રહેશે. શુક્ર અસ્ત રહેવાથી મે અને જૂન મહિનામાં શરણાઈઓ ગુંજશે નહીં. આવી સ્થિતિ ૨૩ વર્ષ બાદ આવી છે. આ પહેલાં ૨૦૦૦ના વર્ષમાં આવી સ્થિતિ ઊભી થઇ હતી.
આપણ વાંચો: ફિલ્મના શુભ મુહૂર્તમાં આ શું થઇ ગયું સની લિયોનીને……! વાયરલ થયો વીડિયો
આ ઉપરાંત ૧૭મી જુલાઈથી ચાતુર્માસનો પ્રારંભ થઇ રહ્યો છે. એ દિવસથી દેવપોઢી એકાદશી છે. ચાતુર્માસ એટલે કે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને કાર્તિક મહિના સુધી માંગલિક કાર્યો થઇ શકતાં નથી. ચાતુર્માસમાં કોઇ પણ શુભ કાર્ય થતાં નથી, કેમ કે દેવતાઓએ સમયે પોઢી જતા હોય છે. ૧૨મી નવેમ્બરના રોજ ચાતુર્માસ સમાપ્ત થવાના હોવાથી એ દિવસથી માંગલિક કાર્ય શરૂ થતાં હોય છે.
જ્યોતિષીઓના મત મુજબ શુક્રને ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ભોગ-વિલાસ, કલા, પ્રતિભા, સૌંદર્ય, રોમાંસ વગેરેનો કારક માનવામાં આવે છે. શુક્રના પ્રભાવથી જ માનવીને ભૌતિક, શારીરિક અને વૈવાહિક સુખ પ્રાપ્ત થતાં હોય છે. આ માટે જ કુંડળીમાં શુક્રનું મજબૂત હોવું ખૂબ જરૂરી છે. કોઇ પણ ગ્રહ જ્યારે સૂર્ય દેવતાની નજીક આવે છે ત્યારે એ અસ્ત થઇ જાય છે. સૂર્ય પોતાના તેજથી મોટા ભાગે તમામ ગ્રહના પ્રભાવને સમાપ્ત કરી દેતા હોય છે. શુક્ર અને સૂર્ય વચ્ચે ૧૧ ડિગ્રીનું અંતર રહેવા પર શુક્ર અસ્ત થઇ ગયો હોવાનું મનાય છે. અસ્ત થવા પર ગ્રહના શુભ ફળમાં ઘટાડો થતો હોય છે.
લગ્નની મુહૂર્ત તારીખો
જુલાઈ મહિનામાં ૯થી ૧૭
નવેમ્બર મહિનામાં ૧૭, ૧૮ અને ૨૨થી ૨૬,
ડિસેમ્બર મહિનામાં બેથી પાંચ અને ૯, ૧૦, ૧૧, ૧૩ અને ૧૫