‘ફેક કોલ સેન્ટર’ના નામે વિદેશી નાગરિકો સાથે લાખોની છેતરપિંડી, જાણો કઈ રીતે બચશો?

Cyber Fraud New modus operandi: આજના સમયમાં કોઈને ઠગવા માટે ઘરની બહાર જવાની જરૂર રહી નથી. ઉત્તર પ્રદેશ કે હરિયાણામાં બેસેલો ગઠિયો ગુજરાતમાં રહેતા સામાન્ય વ્યક્તિના નામે છેતરપિંડી કરીને લોકો પાસેથી હજારો રૂપિયા પડાવી રહ્યો છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે, હવે આ છેતરપિંડીનું લેવલ થોડું એડવાન્સ થઈ ગયું છે. ભારતમાં બેસેલા સાયબર ગઠિયાઓ હવે વિદેશીઓના બેંક એકાઉન્ટ પણ ખાલી કરી રહ્યા છે. તેમની મોડસ ઓપરેન્ડી પણ જાણવા જેવી છે.
‘Hello sir, this is Microsoft Thechnical Support’
અમેરિકાના નાનકડાં શહેરમાં રહેલો એક સીનિયર સિટીઝન રાતના સમયે પોતાના લેપટોપમાં કામ કરી રહ્યો હોય છે. એવા સમયે લેપટોપની સ્ક્રીન પર એક ચેતવણી આવે છે કે, તમારી સિસ્ટમ હેક થઈ ગઈ છે. તરત માઇક્રોસોફ્ટ સપોર્ટનો સંપર્ક કરો. નહીંતર તમારા બેંક એકાઉન્ટ પર મોટું જોખમ આવી જશે. જેથી જે-તે વ્યક્તિ તરત કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર કોલ કરી દે છે. આ કોલ કરવા પર સામે છેડેથી અંગ્રેજીમાં એક અવાજ સંભળાય છે.
‘Hello sir, this is Microsoft Thechnical Support’ અહીંથી સાયબર ગઠિયાઓનો ખરો ખેલ શરૂ થાય છે અને સામેવાળી વ્યક્તિનું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ રીતે અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં હજારો લોકોને ઠગવામાં આવ્યા છે. આવા કેસોની તપાસ કરતી એજન્સીઓનું કહેવું છે કે, આ પ્રકારની છેતરપિંડી કરનારા મોટાભાગના ઓપરેશન્સના મૂળિયા ભારત સાથે જોડાયેલા છે. જોકે, આ પ્રકારની છેતરપિંડીને એક સુનિયોજીત યોજના સાથે આચરવામાં આવે છે.

બ્રિટિશ અને અમેરિકન એસન્ટમાં વાત કરે છે એજન્ટ
ઓનલાઇન છેતરપિંડી માટે એક નકલી કોલ સેન્ટર ઊભું કરવામાં આવે છે. જેમાં કોમ્પુટર, હેડસેટ, શિફ્ટ સિસ્ટમ, ટાર્ગેટ, સ્ક્રિપ્ટ વગેરેની તાલીમ આપવામાં આવે છે. અહીં કામ કરનાર એજન્ટોને સમજાવવામાં આવે છે કે, સામેવાળી વ્યક્તિના મનમાં ડર કેવી રીતે પેદા કરવો, તેનો વિશ્વાસ કેવી રીતે જીતવો, તેના પર માનસિક દબાણ લાદીને પૈસા કેવી રીતે કઢાવવાના છે. કોલ સેન્ટરમાં અંગ્રેજી નામ રાખીને બેસેલા એજન્ટ એટલી ચોકસાઈથી બ્રિટિશ અને અમેરિકન એસન્ટમાં વાતચીત કરે છે કે, સામેવાળી વ્યક્તિ તેના પર જલ્દી વિશ્વાસ કરી બેસે છે.
આ છેતરપિંડીની શરૂઆત પોપ-અપ અથવા નકલી એલર્ટથી થાય છે. યુઝર્સ જ્યારે કોઈ વેબસાઇટ પર જાય છે અથવા કશુંક સર્ચ કરે છે, ત્યારે અચાનક મેસેજ આવે છે કે, તેની સિસ્ટમ વાયરસથી પ્રભાવિત છે અથવા તેના એકાઉન્ટ પર જોખમ છે. ઘણા કિસ્સાઓમાં નકલી હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવે છે. જેના પર સામે છેડે વાત કરનાર પોતાને માઇક્રોસોફ્ટ, એમેઝોન, બેંક અથવા ટેક્નિકલ સપોર્ટનો વ્યક્તિ ગણાવે છે અને છેતરપિંડીને અંજામ આપે છે.
આ લોકો પેમેન્ટ પણ સમજી-વિચારીને મંગાવે છે. મોટાભાગે ગિફ્ટ કાર્ડ, વાયર ટ્રાન્સફર અથવા ક્રિપ્ટો કરન્સી દ્વારા પૈસા મંગાવવામાં આવે છે. કારણ કે તેને ટ્રેક કરી શકાતા નથી. કેટલાક કેસોમાં પૈસા મ્યુલ એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે, પછી તેને જુદી જુદી જગ્યાએથી વિડ્રો કરવામાં આવે છે.
છેતરપિંડીથી બચવા માટેનો હેલ્પલાઇન નંબર
તપાસ એજન્સીના અહેવાલમાં સામે આવ્યું છે કે, ભારતમાં પકડાયેલા ઘણા ગેરકાયદે કોલ સેન્ટર સંપૂર્ણપણે વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરતા હતા. કોલ સેન્ટર પર દરોડા દરમિયાન એજન્સીઓને સ્ક્રિપટ, કોલ લોગ, VPN, આંતરરાષ્ટ્રીય નંબર અને ટ્રેનિંગ મટીરિયલ મળી આવ્યું હતું. આમ, તપાસ એજન્સીઓના અહેવાલ પરથી એ સાબિત થાય છે કે, સાયબર ક્રાઇમ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વ્યાપી ચૂક્યો છે. ભારતીયોને આવી છેતરપિંડીથી બચાવવા માટે હેલ્પલાઈન નંબર 1930 શરૂ કરવામાં આવ્યો છે. જો તમને કોઈ છેતરપિંડી કરી રહ્યું છે, એવી શંકા જાગે તો તરત હેલ્પલાઇનનો સંપર્ક કરવો જોઈએ. કારણે કે જેટલું મોડું કરશો, એટલી જ તમારા ગુમાવેલા નાણાં પાછા મેળવવાની શક્યતાઓ ઓછી થતી જશે.



