પાણીમાં રહીને મગરને જમાડવાનું કામ તો આ મહિલા જ કરી શકે, જૂઓ વાયરલ વીડિયો…
માણસ ગમે તેટલો બહાદુર હોય, અમુક જંગલી જનાવર સામે હાથ ઊંચા કરી દે છે અને જો કોઈ જોખમ લે તો ઘણીવાર જીવ ખોવાનો વારો પણ આવે છે. જંગલમાં છુટ્ટા રખડતા સાવજ કે ચીત્તા, વાઘ વગેરે સાથે કામ કરવું તાલીમ લીધા પછી પણ સહેલું નથી. ત્યારે આના જેવું જ જોખમી જળચર પ્રાણી છે મગર. મગરમચ્છ ક્યારે તમને કાળનો કોળિયો બનાવી લે તે ખબર પડતી નથી. વળી તે પાણીમાં જ હોય તમને બચાવવા આવવાનું પણ શક્ય બનતું નથી. ત્યારે આવા મગર સાથે પાણીમાં રહી તેને જમાડતી મહિલાનો વીડિયો જોશો તો ગભરાઈ પણ જશો અને તેને સલામ કરવાનું પણ મન થશે.
આ વીડિયો એનિમલ રેક્યુઅર અને બેલોવિંગ એકર્સ એલીગેટર સેન્ચ્યુરીની માલિકણ ગૈબીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે હાથમાં એક લાકડી લઈને ચોખ્ખા તળાવમાં તરી રહી છે. તેની સાવ જ નજીક એક મોટો મગરમચ્છ છે. તે લાકડી દ્વારા મગરમચ્છને કન્ટ્રોલ કરી રહી છે અને તે નજીક આવે ત્યારબાદ તેને ખાવાનું આપી રહી છે.
તેણે લખ્યું છે કે આ બેલા નામની મગરમચ્છ છે, જે ખૂબ લડાકુ અને આક્રમક છે અમે તેને ભોજન આપી શાંત કરીએ છીએ. જોકે તેણે લખ્યું છે કે અમે આ માટે તાલીમ લીધી છે. બાકી આ રીતે મગરમચ્છ પાસે જશો નહીં. ક્યારેય પણ આવા પ્રાણીઓ સાથે પાણીમાં તરશો નહીં કે તેને ખવડાવવાની કોશિશ કરશો નહીં.