સૂર્યગ્રહણના ડરથી, અમેરિકન ઇનફ્લુએન્સરે કર્યું કંઇક એવું કે…….

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓને કારણે માનવીઓના મુડમાં પરિવર્તન આવવાના કિસ્સા આપણે સાંભળ્યા છે,. પણ અમેરિકાના લૉસ એન્જેલસ ખાતે એક સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સરે કંઇક એવું કર્યું છે કે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. આ સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સર મહિલાનું નામ છે ડેનિયલ જ્હોન્સન. લોસ એન્જલસના મીડિયા અહેવાલ મુજબ સોમવારે સવારે ડેનિયલ જ્હોન્સને તાજેતરના સૂર્યગ્રહણના ડરથી કારમાં તેના બાળકો સાથે બહાર નીકળતા પહેલા તેના 29 વર્ષીય જીવનસાથી જેલેન એલન ચેનીની હત્યા કરી હતી અને પછી પૂરપાટ ઝડપે તેની કાર હંકારી ગઇ હતી. જેલેનના છાતીમાં ચાકુના ઉપરાઉપરી વાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચાલુ કારે તેણે તેના બે બાળકોને બહાર ફેંકી દીધા હતા. તેના બે બાળક નવ વર્ષ અને આઠ મહિનાના હતા. આ ઘટનામાં માત્ર નવ વર્ષનો બાળક બચી ગયો છે. ત્યાર બાદ 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે ચાલતી તેની લક્ઝરી કાર એક ઝાડ સાથે ટકરાવી દીધી હતી. અકસ્માતમાં કારનો ખુડદો બોલી ગયો હતો અને જોન્સનનું શરીર એટલું વિકૃત થઈ ગયું હતું કે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. પોલીસ જ્યારે પરિવારના એપાર્ટમેન્ટ પર પહોંચી ત્યારે તેને લોહીના ખાબોચિયામાં પડેલો જેલેન એલન ચેનીનો મૃતદેહ મળી આવ્યો હતો.
સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે લોકોના મુડ સ્વીંગ્સ અને મનોવિકાર અંગે આપણે ઘણી વાર સાંભળ્યું છે, પણ વૈજ્ઞાનિકો કહે છે કે તેનો કોઈ વાસ્તવિક આધાર નથી.
સોમવારના સૂર્યગ્રહણમાં મેક્સિકોના પેસિફિક દરિયાકાંઠેથી ટેક્સાસ, અરકાનસાસ, નાયગ્રા ધોધ, ન્યૂ ઈંગ્લેન્ડ અને પૂર્વી કેનેડા સુધી સમગ્ર ઉત્તર અમેરિકામાં અપ્રતિમ ખગોળીય નઝારો જોવા મળ્યો હતો.