10 મહિના જૂનું, દુર્ગંધ મારતું પનીર વેચાયું 36 લાખ રૂપિયામાં, કારણ જાણશો તો…

પનીર હેલ્થ માટે કેટલું સારું છે, તેની અંદર કેટલા પોષક તત્વો હોય છે વગેરે વગેરે જેવી અનેક વાતો તમે વિવિધ આર્ટિકલ અને સ્ટોરીમાં વાંચ્યુ હશે. પરંતુ જો તમને કોઈ કહે કે બે કિલો પનીરની કિંમત 36 લાખ રૂપિયા છે તો તમારા માનવામાં આવે ખરું? ચાલો તમને આજે દુનિયાના સૌથી મોંઘા વેચાયેલા આ પનીર વિશે વાત કરીએ અને જાણીએ કે એવું તે શું ખાસ થે આ પનીરમાં…
સોશિયલ મીડિયા પર હાલમાં એક લીલા કલરનો, દુર્ગંધ મારતો પનીરનો ટુકડો 42,232 ડોલર એટલે કે 36 લાખ રૂપિયામાં વેચાયો એને કારણે વાઈરલ થઈ રહ્યો છે. આ સાથે જ આ પનીરના ટુકડાએ હરાજીમાં વેચાનારા સૌથી મોંઘા પનીરનો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ પનીર સ્પેનિશ બ્લ્યુ ચીઝ છે જેનું નામ કૈબ્રાલેસ રાખવામાં આવ્યું છે. પાંચ પાઉન્ડ એટલે કે આશરે 2 કિલોના આ પનીરના ટુકડાની કિંમત 36 લાખ રૂપિયા જેટલી લગાવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર આ પનીર એન્જેલ ડિયાઝ હેરેરો ચીઝ ફેક્ટરીમાં બનાવવામાં આવ્યું છે અને ત્યાર બાદ તેને 10 મહિના સુધી એક ગૂફામાં રાખવામાં આવ્યું હતું. પનીરનો આ ટૂકડો સ્પેનના એસ્ટુરિયસ ખાતે આવેલી રેસ્ટોરાં એલ લાગર ડી કોલોટોના માલિક ઈવાન સુઆરેઝને વેચવામાં આવ્યો છે.
કૈબ્રાલેસને ગાય, બકરી અને ઘેટાના દૂધમાંથી બનાવવામાં આવે છે અને તેને કુદરતી ચુનાના પથ્થરોની ગૂફામાં સ્ટોર કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી પનીરને એક અનોખો મસાલેદાર અને નમકીન સ્વાદ મળવાની સાથે સાથે જ એક ખાસ પ્રકારનો ગ્રીન રંગ પણ મળે છે.
દુનિયાનું સૌથી શ્રેષ્ઠ પનીર પસંદ કરવાની શરૂઆત મેજોર ક્વેસો ડેલ સર્ટામેનથી થઈ હતી. 52મી વાર્ષિક સર્વશ્રેષ્ઠ પ્રતિયોગિતામાં એક જ્યુરીએ 15 અલગ અલગ કારખાનામાં બનાવવામાં આવેલા પનીરનો સ્વાદ ચાખ્યો હતો અને તેને રેન્ક આપ્યો હતો. પરંપરા અનુસાર વિજેતા પનીરને વધુ બોલી લગાવનારને નીલામ કરી દેવામાં આવે છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી અનોખી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…