દશેરાના માત્ર ફાફડા-જલેબી નથી ખાતા કરોડોનું ખરીદ-વેચાણ પણ થાય છે ગુજરાતમાં

અમદાવાદઃ આજે રાવણના નાશ એટલે કે નકારાત્મક વૃત્તિ પર સકારાત્મક વૃત્તિ અને સત્કર્મોના વિજયનો પર્વ છે. આજનો દિવસ શુભ માનવામાં આવે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં કેટલાક જ દિવસ વણજોયા મુહૂર્ત કહેવામાં આવે છે. જેમાં દશેરાનો પણ સમાવેશ થાય છે. ત્યારે આજે રાજ્યમાં લગભગ હજારો કરોડોના વાહનો વેચાશે, એવો અંદાજ ફેડેરેશન ઓફ ઓટોમોઈલ ડિલર્સ એસોસિયેશન (FADA)ના કરવામાં આવ્યો છે.
દર વર્ષે કરોડો રૂપિયાના વાહનો દશેરાના દિવસે ગુજરાતમાં વેચાઈ છે. આ વર્ષે પણ નવરાત્રિ અને દશેરાના દિવસે વાહનના વેચાણમાં વૃદ્ધિ થઈ છે, જેમાં ટુ-વ્હીલરમાં 8 થી 10 ટકા, જ્યારે ફોર-વ્હીલરમાં 6થી 8 ટકા જેટલી વેચાણમાં વૃદ્ધિ થઈ છે. અમદાવાદીઓ આ વર્ષે 115 કરોડની ટુ-વ્હીલર અને 400 કરોડની કાર ખરીદીની ખરીદી કરશે તેવો એક અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો સુરત, રાજકોટ સહિતના શહેરોમાં પણ 100-150 કરોડના વાહનોની ખરીદીનો અંદાજ છે.
બીજી બાજુ ઈલેક્ટ્રિક વાહનો હજુ લોકોમાં એટલા લોકપ્રિય થયા નથી. આંકડા જોઈએ તો અમદાવાદ શહેર આરટીઓ કચેરી ખાતે 1લી ઓક્ટોબરથી લઈને 10મી ઓક્ટોબર સુધીમાં ફક્ત 76 ઈલેક્ટ્રિક વ્હીકલનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ વર્ષે નવરાત્રિ અને દશેરા પર નવા 57 ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર, 12 EV કાર અને 7 EV થ્રી-વ્હીલરનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.