દેશમાં એવું પણ એક ગામ છે જ્યાં દિવાળી ઉજવતા લોકો ડરે છે અને…
ગઈકાલ ધનતેરસથી પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા તહેવાર દિવાળીની રોનક ઘરે ઘરે અને દેશમાં દેખાઈ રહી છે. શહેરો રોશનીથી ઝગમગે છે ત્યારે દરેક ઘરના આંગણે રંગોળી અને દિવાઓ ઝળહળતા હોય છે. માત્ર ભારત જ નહીં વિશ્વના ઘણા દેશોમાં તમને દિવાળીની રંગત જોવા મળશે ત્યારે આપણા જ દેશના એક રાજ્યું ગામ દિવાળીના દિવસે પોતાના ઘરમાં પુરાઈને બેસી જાય છે અને જાણે માતમ મનાવે છે.
આ પણ વાંચો : ભક્તિ મહારાણી પ્રભુની પ્રિય છે
આ ગામ આવેલું છે કુદરતના ખોળે વસેલા રાજ્ય હિમાચલ પ્રદેશમાં. અહીંના હમીરપુર જિલ્લામાં સમ્મૂ ગામ આવેલું છે. આ ગામના લોકો દિવાળીના દિવસે ઘરમાં પુરાઈ રહે છે. અહીં દિવાળી કોઈ ખાસ દિવસ નથી. વધુમાં લોકો આ દિવસે ઉચાટમાં જીવે છે.
આનું કારણ એક લોકવાયકા છે અને ગામના અમુક લોકોનો અનુભવ છે. વાત જાણે એમ છે કે અહીં લોકો એમ માને છે કે જો તેઓ દિવાળીના દિવસે ઘરમાં પકવાન બનાવશે કે ઘરને સજાવશે કે ફટકડા ફોડશે તો ગામમાં કંઈક અમંગળ થશે. અહીંના 70-80 વર્ષના રહેવાસીઓના જીવનમાં આવી ઘટના બની છે જ્યારે ગામનો કોઈ માણસ આ વાતમાં ન માને અને દિવાળી ઉજવે તો કોઈનું મોત થયું હોય કે કોઈ દુઃખની ઘટના ઘટી હોય.
આમ બનવા પાછળ એક લોકવાયકા છે. વર્ષો પહેલા રાજાના દરબારનો એક સૈનિક દિવાળીના દિવસે મૃત્યુ પામ્યો અને તેની પાછળ તેની ગર્ભવતી પત્ની સતી થઈ ગઈ. તે પતિની ચિત્તામાં સળગતા સમયે શ્રાપ આપી ગઈ અને તેથી આ દિવસે જો ઉજવણી કરવામાં આવે તો કંઈક અશુભ થાય છે, તેમ ગામના લોકો માને છે.
આ પણ વાંચો : દિવાળીના દિવસોમાં દીપદાનનું મળે છે અક્ષય પુણ્ય
આવું કંઈ ન બને તે માટે ઘણા હોમ હવન અને યજ્ઞ કરવામાં આવ્યા છે, પરંતુ ગામના લોકો હજુ પણ એ ડરમાં જ જીવે છે કે જો તેઓ ઉજવણી કરશે તો ગામવાળાને સહન કરવાનો વારો આવશે. આ દિવસે માત્ર તેઓ સતીની મૂર્તિની પૂજા કરે છે, અને આખા દેશને ઝળહળતો જૂએ છે, પણ પોતે દિવાળી મનાવતા નથી.