ટોપ ન્યૂઝનેશનલસ્પેશિયલ ફિચર્સ

ડિજિટાઈઝેશનનો ફાયદોઃ ૫.૮ કરોડ બોગસ રેશનકાર્ડ દૂર કરાયા

નવી દિલ્હી: સરકારે વ્યાપક ધોરણે હાથ ધરેલા ડિજિટાઈઝેશનને પગલે જાહેર વિતરણ યંત્રણામાં વ્યાપક પરિવર્તન જોવા મળ્યું છે અને વૈશ્વિક સ્તરના ખાદ્યાન્ન સુરક્ષા માટે નવા બૅન્ચમાર્ક સ્થાપ્યા હોવાનું કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે આજે જણાવ્યું છે.
દેશમાં ૮૦.૬ કરોડ લાભાર્થીઓને સેવા આપતી જાહેર વિતરણ વ્યવસ્થામાં વ્યાપક સુધારામાં ખાસ કરીને આધારકાર્ડ આધારિત ઑથેન્ટિકેશન (પ્રમાણિતતા) તથા ઈલેક્ટ્રોનિક નૉ યોર કસ્ટમર (કેવાયસી) વેરિફિકેશન થવાથી ૫.૮ કરોડ બોગસ રેશનકાર્ડની બાદબાકી થઈ છે. આમ એકંદરે છીંડાઓ દૂર થવાની સાથે લક્ષ્યાંકિત વર્ગને લાભો પહોંચતા થયા હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર અંદાજે તમામ ૨૦.૪ કરોડ રેશનકાર્ડ ડિજિટાઈઝ થયા છે. જેમાંથી ૯૯.૮ ટકા આધારકાર્ડ સાથે લિન્ક્ડ થયા છે અને ૯૮.૭ ટકા લાભાર્થીઓની પાત્રતા બાયોમેટ્રિક ઑથેન્ટિકેશનથી ચકાસવામાં આવી છે.
વધુમાં મંત્રાલયે દેશભરની ફેર પ્રાઈસ શૉપમાં ૫.૩૩ લાખ ઈ-પીઓએસ ડિવાઈસીસ ગોઠવી છે જેથી વિતરણના સમયે આધાર આધારિત ઑથેન્ટિકેશન થઈ શકે અને વાસ્તવિક લાભાર્થીને લાભની બાંયધારી મળે. આજે ખાદ્યાન્નના વિતરણ માટે આધાર ઑથેન્ટિકેશનનો ૯૮ ટકા જેટલો બહોળો ઉપયોગ થતાં અયોગ્ય લાભાર્થીમાં ઘટાડો થવાની સાથે સાથે ચોરીનું જોખમ પણ ઘટ્યું છે.

સરકારના કેવાયસી પગલાં હેઠળ જાહેર વિતરણ યંત્રણાના તમામ લાભાર્થી પૈકી ૬૪ ટકાનું વેલિડેશન થઈ ગયું છે, જ્યારે શેષના વેલિડેશનની પ્રક્રિયા ફેર પ્રાઈસ શૉપમાં થઈ રહી છે. વધુમાં પુરવઠા અથવા તો સપ્લાઈ બાબતે મંત્રાલયે જણાવ્યું હતું કે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (એફસીઆઈ)એ એન્ડ ટૂ એન્ડ સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટ સિસ્ટમ અમલી બનાવી છે તેમાં અનાજના શિપમેન્ટ સાથે રેલવેની રિઅલ ટાઈમ મોનેટરિંગ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. તેમ જ ‘વન નેશન વન રેશન કાર્ડ સ્કીમ’ દેશભરમાં પોર્ટેબિલિટી ધરાવતું હોવાથી લાભાર્થી દેશના કોઈપણ ખૂણામાંથી રેશન પ્રાપ્ત કરી શકે છે.

આ પણ વાંચો…..હવે કાંદા થશે સસ્તા: ૭૨૦ ટન કાંદાનું શિપમેન્ટ દિલ્હી પહોંચશે

આમ ડિજિટાઈઝેશન મારફતે લક્ષ્યાંકિત વર્ગને લાભો પહોંચતા હોવાથી અને સપ્લાઈ ચેઈનમાં સંશોધનો થકી ભારતે વિશ્વ સમક્ષ અન્ન સલામતી માટે નવા બૅન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યા હોવાનું મંત્રાલયે ઉમેર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button