રાજ્યમાં પ્રથમ નોરતે વહેલી સવારે મંદિરોમાં ભક્તોની ભીડ જામી

અમદાવાદઃ આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે જ મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. અમદાવાદમાં આવેલા નગરદેવી ભદ્રકાળીના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોએ માતાજીના દર્શન અને આશીર્વાદ માટે ભીડ લગાવી હતી.
પાવાગઢ ખાતે પ્રથમ નોરતે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. મહાકાળી માતાના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. નવરાત્રીના પ્રારંભ સાથે જ પાવાગઢનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગુજરાત, રાજસ્થાન મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા હજારો ભક્તો જય માતાજી અને જય મહાકાળીના નાદ સાથે દર્શન કરવા ઊમટ્યા હતા. નવરાત્રી દરમિયાન યાત્રાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ હોવાને લઈ એસ ટી વિભાગ દ્વારા યાત્રાળુઓને તળેટીથી માંથી લાવવા લઈ જવા માટે 50 જેટલી બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ડુંગર પર ભક્તોની લાઈન અને અવરજવરનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું. પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શક્તિપીઠ અંબાજી મંદિરે નવરાત્રી પારંભે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. વહેલી સવારે આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિર ખૂલતા જ માતાજીની એક ઝલક માટે ભક્તો આતુર જોવા મળ્યા હતા. મંદિરનો ચોક જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું હતું. પ્રથમ નવરાત્રીમાં માતાજીના દર્શન માટે ભક્તોની લાગી મોટી લાઈનો લાગી હતી.
ચોટીલામાં પણ ભક્તોએ દર્શન માટે ભીડ લગાવી હતી. માઇ ભક્તો સવારથી જ મોટી સંખ્યામં ઉમટી પડ્યા હતા.