મુંબઈ-પુણેને જોડતી Deccan Queen થઈ 94 વર્ષની પણ આ વખતે…
પહેલી જૂનના ડેક્કન ક્વીન સહિત સિંહગઢ, ડેક્કન, પ્રગતિ, ઈન્ટરસિટી સહિતની ટ્રેનો રદ્દ
મુંબઈઃ મુંબઈ-પુણે જેના દેશના બે મહત્ત્વના સ્ટેશનો વચ્ચે દોડતી ડેક્કન ક્વીન (Mumbai-Pune Deccan Queen Birthday)ને પહેલી જૂન, 2024ના 94 વર્ષ પૂરા થઈ જવા રહ્યા છે પરંતુ આ વખતે પોતાના બર્થડેના દિવસે જ ડેક્કન ક્વીન રદ્દ કરવામાં આવશે, એવી માહિતી મધ્ય રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.
દર વર્ષે દરરોજ મુંબઈ-પુણે વચ્ચે આ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ કેક કટ કરીને પોતાની લાડકી ક્વીનના જન્મદિવસની ઊજવણી કરે છે. પરંતુ આ વખતે જન્મદિવસે જ ટ્રેન રદ કરવામાં આવી હોવાને કારણે પ્રવાસીઓ નિરાશ થઈ ગયા છે. સીએસએમટી ખાતે મધ્ય રેલવે (Central Railway) દ્વારા બ્લોક હાથ ધરવામાં આવશે જેને કારણે પહેલી જૂનના પુણે-મુંબઈ વચ્ચે દોડાવવામાં આવતી ડેક્કન ક્વીન સહિત સિંહગઢ, ડેક્કન, પ્રગતિ, ઈન્ટરસિટી સહિતની ટ્રેનો રદ્દ કરવામાં આવશે.
આ પણ વાંચો : મધ્ય રેલવેમાં અકસ્માતનો સિલસિલો ચાલુ જઃ યુવકે ગુમાવ્યા બંને પગ
મધ્ય રેલવેના અધિકારી દ્વારા આ બાબતે આપવામાં આવેલી માહિતી અનુસાર મધ્ય રેલવેના સીએસએમટીના પ્લેટફોર્મ 10-11ની લંબાઈ વધારવાનું કામ હાથ ધરવામાં આવશે જેને કારણે પહેલી જૂનના રાતે 12.30 કલાકથી બીજી જુન બપોરે 12.30 કલાક સુધી 36 કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે અને આ કારણે મુંબઈ-પુણે વચ્ચે દોડાવવામાં આવતી કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવશે.
સ્વતંત્રતાના સમયે બ્રિટીશરોએ ગ્રેટ ઈન્ડિયન પેનિન્સુલા રેલવે કંપની (Great Indian Peninsula Railway Company) દ્વારા પહેલી ડિલક્સ ટ્રેન સર્વિસ તરીકે પહેલી જૂન, 1930ના મુંબઈ-પુણે વચ્ચે ડેક્કન ક્વીન એક્સપ્રેસ (Mumbai-Pune Deccan Queen Express) દોડાવવાની શરૂઆત કરી. શરૂઆતના દિવસોમાં માત્ર બ્રિટીશરો જ આ ટ્રેનમાં પ્રવાસ કરી શકતા હતા, પરંતુ બાદમાં 1943માં ભારતીયોને પણ આ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
હવે મુંબઈ-પુણે જેવા શહેરોને જોડતી ડેક્કન ક્વીન એક્સપ્રેસ પહેલી જૂનના 94 વર્ષની થવા જઈ રહી છે પરંતુ આ વખતે કદાચ પહેલી વખત એવું બનશે કે પ્રવાસીઓ પોતાની આ લાડકી ક્વીને એના જન્મદિવસે જ નહીં મળી શકે…