ખાંસી માટે કફ સિરપ લેતા હોય તો ચેતજો, જાણો ખાંસી થવાના કારણો અને ઘરેલુ ઉપાય!

Cough remedies: સામાન્ય રીતે બદલાતી ઋતુ સાથે કેટલીક શારીરિક સમસ્યાઓ થતી હોય છે. જેમાં શરદી-ખાંસી જેવી સમસ્યાઓ મુખ્ય હોય છે. જોકે, ખાંસી મટાડવા માટે ઘણા લોકો કફ સિરપનો ઉપયોગ કરતા હોય છે.
અત્યારે તો કફ સિરપને લઈને ઘણા સવાલો ઊભા થયા છે. એવા સમયે ખાંસીનું સાચું કારણ જાણીને તેનો યોગ્ય સારવાર કરવાની ફાયદાકારક છે. ચાલો, ખાંસીના કારણો અને તેના ઘરેલુ ઉપાયો જાણીએ.
આપણ વાંચો: સિરપથી મોતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સીબીઆઈ તપાસની માંગ
ખાંસીના 5 પ્રકાર અને તેનું કારણ
ખાંસી શરીરની રક્ષા પ્રણાલીનો ભાગ છે. જ્યારે તમારા ગળા અથવા ફેંફસામાં ધૂળ, ગંદકી અથવા કોઈ હાનિકારક વસ્તુ ચાલી જાય છે, ત્યારે તેને બહાર કાઢવા માટે ખાંસી આવે છે, જેથી ઘણીવાર ગળામાં ફસાયેલી વસ્તુઓ બહાર આવી જાય છે.
આમ, એક રીતે જોવા જઈએ તો ખાંસી શરીરને કુદરતી રીતે સાફ રાખવાનું કામ કરે છે. જોકે, તેમ છતાં ખાંસીના 5 જુદા જુદા પ્રકાર છે, જેમાં ભીની ખાંસી, સૂકી ખાંસી, તીવ્ર ખાંસી, ક્રોપ ખાંસી, જૂની ખાંસીનો સમાવેશ થાય છે.
ઋતુ પરિવર્તનની સાથે સામાન્ય રીતે લોકોને ભીની અને સૂકી એમ બે પ્રકારની ખાંસી થતી હોય છે. ભીની ખાંસી વાયરલ, પોસ્ટનાસર ડ્રિપ, સીપીઓડી, હાર્ટ ફેલ્યોર જેવા કારણોને લીધે થાય છે. જ્યારે સૂકી ખાંસી ધૂળ, ફંગસથી એલર્જી અથવા અસ્થમા, સિગરેટના ધુમાડા જેવી તીવ્ર ગંધ, પેટના એસિડનું ગળાના સંપર્કમાં આવવું વગેરે જેવા લક્ષણોના કારણે થાય છે.
આપણ વાંચો: ગુજરાતની બે કંપનીની કફ સિરપ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ જાહેર, ઉત્પાદન બંધ કરાવી જથ્થો પરત ખેંચવાનો આદેશ
જોકે, ભીની ખાંસીમાં કફ નીકળે છે, જે ફેફસાને સાફ કરવામાં મદદ કરે છે. આ સિવાય ખાંસીમાં વ્યક્તિ ખૂબ જોરથી ખાંસવાનું શરૂ કરે છે. આ ખાંસી 2-3 અઠવાડિયામાં મટી જાય છે. જૂની ખાંસી મોટી ઉંમરના વડીલોમાં 8 અઠવાડિયા સુધી તથા બાળકોમાં 4 અઠવાડિયા સુધી જોવા મળે છે.
ઘણા લોકોને રાત્રે ખાંસી વધી જાય છે. જેનું મુખ્ય કારણ સૂતી વખતે કફનું ગળામાં જમા થવું છે. આ સિવાય સૂતેલી વ્યક્તિમાં એસિડ રિફ્લક્સમાં પેટનો એસિડ ઉપર આવી જાય છે. આવા સંજોગોમાં જેમનું હૃદય મજબૂત નથી એવા લોકોના ફેફસામાં પ્રવાહીનું પ્રમાણ વધી જાય છે. આવા કારણોસર પર રાત્રે ખાંસી વધુ પ્રમાણમાં આવે છે.
જેની અસર ઉંઘ પર પડે છે. જોકે, ફેંફસામાં જામેલો કફ અને શ્વાસનળીમાં ફસાયેલી ધૂળને બહાર કાઢવા માટે ખાંસી આવવી જરૂરી છે. જો આવું ન થાય તો શ્વાસ લેવામાં તકલીફ, નિમોનિયા, બ્રોંકાઇટિસ જેવું ઇન્ફેક્શન થઈ શકે છે. સાથોસાથ ફેફસામાં સોજો પણ આવી શકે છે. તેથી એક રીતે જોવા જઈએ તો ખાંસી શરીર માટે નુકસાનકારક પણ નથી.
આપણ વાંચો: કફ સિરપથી બાળમૃત્યુ: NHRCની લાલ આંખ, ત્રણ રાજ્ય સરકારને ફટકારી નોટિસ…
કફ સિરપથી શરીરને નુકસાન
જો ખાંસીની સમસ્યા અસહ્ય થઈ જાય તો ઘણા લોકો તાત્કાલિક રાહત મેળવવા માટે મેડિકલ સ્ટોર પર જઈને કફ સિરપ લઈ લેતા હોય છે. પરંતુ ઘણીવાર ખોટી કફ સિરપ શરીર પર આડઅસર પણ પહોંચાડતી હોય છે. ભીના ખાંસીના સંજોગોમાં જ્યારે શરીરમાં જમા થયેલો કફ શરીરની બહાર નિકળવાનો પ્રયાસ કરે છે, ત્યારે કફ સિરપ ખાંસીને દબાવી દે છે. તેથી કફ શરીરમાં જ રહી જાય છે. જેથી ખાંસીનું કાયમી નિરાકરણ આવતું નથી.
ખાંસી મટાડવાનો ઘરેલું ઉપાય
કફ સિરપમાં સ્લીપિંગ એજન્ટ અને આલ્કોહોલ હોય છે, જેથી તે બાળકો અને વૃદ્ધો માટે હાનિકારક હોય છે. જેથી કફ સિરપને ડૉક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં. આ સિવાય વારંવાર કફ સિરપ પીવાથી શરીરની કુદરતી પ્રક્રિયા ધીમી પડી જાય છે.
જેથી ખાંસી મટાડવા માટે ઘરેલુ ઉપાયો જ કરવા જોઈએ. ગરમ પાણી પીવું, મીઠાવાળા હુંફાળા પાણીથી કોગળા કરવા, નાસ લેવો, માથું ઊંચું રાખીને સૂવું એ ખાંસી મટાડવાના ઘરેલું ઉપાયો છે. આ ઘરેલુ ઉપાયો કરીને કફ સિરપના કારણે થતી આડઅસરોથી બચવું જોઈએ.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)