માલિકને લઈ જતી એમ્બ્યુલન્સની પાછળ દોડ્યો પાળતું શ્વાન ને પછી જે થયું તે…
પાળતું પ્રાણીઓ અને ઘરના સભ્યોમાં એક જ ફરક હોય છે અને તે વાચાનો. તે માત્ર બોલતા નથી બાકી તમારા પરિવારના સભ્ય જેવા જ બનીને રહે છે. ત્યારે પરિવારનું કોઈ સભ્ય બીમાર થાય સ્વભાવિક છે કે તેને પણ દુઃખ થાય. જોકે કૉલંબીયાના એક શ્વાને તેના બીમાર માલિક માટે જે કર્યું તે જોતા તમારી આંખો ભીની થઈ જશે. આ ઘટનાનો વીડિયો લોકોને એટલો સ્પર્શી ગયો કે તેને લગભગ દોઢ કરોડ જેટલા વ્યુઝ મળ્યા છે.
કોલંબીયાના તુંજા નામના વિસ્તારમાં એલઝાન્ડ્રો નામના એક વ્યક્તિને ત્યાં ટોનો નામનો પાળતું શ્વાન છે. એલઝાન્ડ્રોની તબિયત અચાનક બગડતા તેને હૉસ્પિટલ જવાની ફરજ પડી અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. એમ્બ્યુલન્માં તેને લઈ ગયા ત્યારે ટોનો પણ ઘરની બહાર નીકળી ગયો અને એમ્બ્યુલન્સ પાછળ દોડ્યો. તેને દોડતો જોઈ આ ઈમોશનલ મોમેન્ટ્સને એક બાઈકરે મોબાઈલ શૂટ કરી અને પછી એમ્બ્યુલન્સને ઊભી રાખી તેમને જણાવ્યું. એમ્બ્યુલન્સ લઈ જનારા પણ ટોનોનો પ્રેમ જોઈ ગળગળા થયા અને તેને એમ્બ્યુલન્સમાં સાથે લઈ લીધો.
આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. લોકો માણસ અને પાળતુ પ્રાણી વચ્ચેના પ્રેમની વાત કરી રહ્યા છે. ઈન્ટરનેટ પર ઘણીવાર આ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે જે આપણને ભાવનાના વિશ્વમાં લઈ જાય છે. દુનિયા ગમે તેટલી સ્વાર્થી કે લાગણીવિહોણી થઈ ગઈ હોવાનું આપણે કહેતા હોઈએ, પણ ખરેખર તો પ્રેમ, બંધન, ભાવનાઓ, ઋણાનુબંધ બધુ અજરઅમર છે અને તે ક્યારેય ઘટતું કે ઓછું થતું નથી.