ક્લેપ એન્ડ કટ..આ સિંઘમ પેલા ખિલાડીને ડિરેક્ટ કરશે
સિદ્ધાર્થ છાયા
આ વર્ષાંતના કદાચ સહુથી એક્સાઈટિંગ ન્યૂઝ આવી ગયા છે. ‘સિંઘમ’ હવે ‘ખિલાડી’ને ફિલ્મમાં ડિરેક્ટ કરવાનો છે.
બીજા શબ્દોમાં કહીએ તો અજય દેવગણ હવે અક્ષય કુમારને એક ફિલ્મમાં ડિરેક્ટ કરશે.
દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં અજય દેવગણે આ વાત કહી છે. અજયના કહેવા અનુસાર હજી તો ફિલ્મની વાર્તા વિષે ચર્ચા ચાલી રહી છે, પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે આ બંને એક્શન અને કૉમેડીના બાદશાહ છે.
જ્યારે આ બંને એક જ ફિલ્મમાં અલગ અલગ જવાબદારી સંભાળશે ત્યારે એ ફિલ્મ એક્શન હશે કે કૉમેડી કે ક્યાંક બંને ન પણ હોય?!
અજય અને અક્ષયની રિયલ લાઈફની દોસ્તીની ઝલક અને એ પણ બંનેના જબરદસ્ત કૉમિક ટાઈમિંગ સાથે તો ‘સુહાગ’માં જ જોવા મળી હતી (૧૯૯૪).
બૉક્સ ઑફિસની માંગને ધ્યાનમાં લેતાં અજય-અક્ષયની આ આગામી ફિલ્મ એક્શન+કૉમેડી જ હશે એવું ફિલ્મજગતના જાણભેદુઓ કહી રહ્યા છે. જોઈએ…
ઉતાવળિયો થયો છે આ બાગી-૪?
ટાઈગર શ્રોફની ‘બાગી’ સિરીઝની ચોથી ફિલ્મનું પોસ્ટર આવી ગયું છે. અગાઉના ત્રણ ભાગને કોઈ નોંધનીય સફળતા મળી નથી. આમ છતાં, ટાઈગરનો એક ખાસ ફેન બેઝ છે એને આ સિરીઝે ઘેલું જરૂર લગાવ્યું છે. હવે બાગી સિરીઝના ચોથા ભાગનું પોસ્ટર જોઈએ તો એવું લાગે છે કે રણબીર કપૂરની ‘એનિમલ પાર્ક’ની પહેલાં આ ‘ચોથા બાગીએ’ આવી જવું છે.
કેવી રીતે? ચાલો જાણીએ. જેણે પણ ફિલ્મ ‘એનિમલ’ જોઈ હશે, તેમાં સહુથી છેલ્લે ‘પોસ્ટ ક્રેડિટ સીન’માં રણબીર કપૂરનો એક ડુપ્લિકેટ દેખાડવામાં આવ્યો છે, જે પોતાના દુશ્મનો સાથે અનહદ હિંસાચાર આચરે છે અને ત્યાં જ ‘એનિમલ’ ફિલ્મ પૂરી થાય છે ને ‘એનિમલ પાર્ક’ની જાહેરાત થાય છે.
આ પોસ્ટ ક્રેડિટ સીનમાં રણબીર કપૂરે જે લૂક અપનાવ્યો છે અને ખાસ કરીને એના હાથમાં જે ફરસા ટાઈપ હથિયાર દેખાડ્યું છે એવું જ અદલોદલ ‘બાગી ફોર’ના પોસ્ટરમાં ટાઈગર શ્રોફના હાથમાં છે અને આસપાસ લોહીના છાંટા ઊડ્યા છે.!
આથી એક પ્રશ્ર્ન મનમાં એ ઉદ્ભવે કે શું ‘બાગી ફોર’ના પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર ફટાફટ ‘એનિમલ’ પાર્ક ટાઈપનું પાત્ર પોતાની ફિલ્મમાં રજૂ કરી એની પાસે અનહદ હિંસા કરાવી રણબીરની આગામી ફિલ્મની હવા કાઢી નાખવા માગે છે?
લાખ ટકાનો પ્રશ્ર્ન એ છે કે શું ‘બાગી ફોર’વાળા ‘એનિમલ’ના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વંગા ટાઈપ જેવાં હિંસક દૃશ્યો સરજી શકશે ખરા?
નયનતારાએ ‘ધનુષ’ ચડાવ્યું!
દક્ષિણ ભારતના ફિલ્મ ઉદ્યોગમાં એક લેટેસ્ટ કૉન્ટ્રોવર્સી ખડી થઈ છે.
‘નેટફ્લિક્સ’ની એક ડૉક્યુમેન્ટ્રી છે: ‘નાનુમ રાઉડી ધાન’. આના માટે એની પ્રોડ્યુસર અને દક્ષિણની અતિવિખ્યાત અભિનેત્રી નયનતારાએ આ જ નામની ફિલ્મના સહકલાકાર – એ ફિલ્મના પ્રોડ્યુસર અને રજનીકાંતના જમાઈ એવા ધનુષ પાસે તેનાં ગીત- ફોટા, ઈત્યાદિનો ઉપયોગ કરવા દેવા માટે પરવાનગી – એન.ઓ.સી. માગી હતી,
પરંતુ ધનુષે તો નયનતારાની વારંવારની માંગણી પર પહેલાં તો ધ્યાન ન આપ્યું અને પછી ન જાણે કેમ એને પરવાનગી આપવાની ઘસીને ‘ના’ પાડી દીધી.
પોતે આ ફિલ્મની સહકલાકાર હોવા ઉપરાંત એ ફિલ્મ પોતાના હ્રદયની એકદમ નજીક હોવાથી નયનતારાને ખૂબ લાગી આવ્યું.
એણે સોશિયલ મીડિયા પર ધનુષને ખુલ્લેઆમ પત્ર લખ્યો, જેમાં પોતાને પરવાનગી ન આપવા માટે આક્રમક શબ્દોમાં ફટકાર્યો …. તો સામે છેડે ધનુષ પણ ચૂપ નથી રહ્યો.
એની પરવાનગી વગર ડૉક્યુમેન્ટ્રીમાં અમુક ગીત- ફોટાઓ વગેરેનો ઉપયોગ કરવા માટે એણે નયનતારા અને એની કંપની પર ૧૦ કરોડ રૂપિયાનો નુકસાનીનો દાવો ફટકારી દીધો છે!
પરવાનગી જેવી આટલી અમથી વાતમાં કયાં કારણોસર અહમ વચ્ચે લાવીને આ બંને લોકપ્રિય સ્ટાર્સને શું મળ્યું હશે એ તો ભગવાન તિરુપતિ જ જાણે!
કટ એન્ડ ઓકે..
‘જ્યારે ‘કરન-અર્જુન’માંથી અજય દેવગણે વિદાય લીધી પછી મેં સલમાનને કાસ્ટ કર્યો ત્યારે ડિસ્ટ્રિબ્યુટર્સ એમ કહીને ખસી ગયા કે બબ્બે રોમેન્ટિક હીરોને લઈને એક્શન ફિલ્મ બનાવાતી હશે?’
– ‘કરન-અર્જુન’ ફિલ્મની રિ-રિલીઝ પહેલાં પોતાના અનુભવો વાગોળે છે રાકેશ રોશન.
(એક આડ વાત: ‘કરણ-અર્જુન’ની સિક્વલ જો રાકેશ રોશન બનાવે તો એ કોને પસંદ કરે… હ્રિતિક અને કાર્તિકને?!)