2025માં બદલાયો ટ્રાવેલિંગનો ટ્રેન્ડ: ફોટા પડાવવા નહીં પણ શાંતિ અને ઊંઘ માટે ટ્રાવેલ કરી રહ્યા છે લોકો…

2025નું વર્ષ વિદાય લઈ રહ્યું છે આ વર્ષ દરમિયાન અનેક મહત્ત્વની ઘટનાઓ અને ટ્રેન્ડ્સ આવ્યા અને ગયા. 2025માં ટ્રાવેલિંગનો આખેઆખો મતલબ બદલાઈ ગયો છે. હવે લોકો ફેમસ ટુરિસ્ટ પ્લેસ પર ફોટો ખેંચાવવા માટે જ નહીં પણ શાંતિ, સારા સ્વાસ્થ્ય અને સ્પેશિયલ એક્સપિરીયન્સ માટે ટ્રાવેલ કરી રહ્યા છે. આ વર્ષે પર્યટનમાં કોઈ નવા અને રસપ્રદ ફેરફાર જોવા મળી રહ્યા છે, ચાલો તમને સરળ ભાષામાં ટ્રાવેલિંગના બદલાયેલા ટ્રેન્ડ વિશે વાત કરીએ…
એક સમય હતો કે જ્યારે લોકો ટ્રાવેલિંગ માત્ર સારી સારી જગ્યાએ જઈને ફોટો ખેંચાવવા માટે જતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે અને લોકો શાંતિ માટે, સારી ઉંઘ, હેલ્થ માટે ટ્રાવેલ કરી રહ્યા છે. આમાંથી જ કેટલાક ટ્રેન્ડ વિશે આજે આપણે અહીં વાત કરીશું…

સ્લિપ ટ્રાવેલિંગઃ
જી હા, લોકો સારી ઊંઘ માટે પણ હોટેલમાં રોકાવવાનું પસંદ કરે છે. આ પ્રકારના ટૂરિઝમને સ્લિપ ટૂરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હોટેલમાં આરામદાયક બેડ, ફૂડ અને ઉંઘ સાથે સંકળાયેલી સુવિધા મળે છે. ભારતની લક્ઝરી હોટેલ્સ આ બાબત પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. વધુને વધુ લોકો સ્લિપ ટૂરિઝમ તરફ વળી રહ્યા છે.

લોન્ગ વેકેશન નહીં પણ શોર્ટ ટ્રિપ:
પહેલાં લોકો વર્ષમાં એક જ વખત લોન્ગ વેકેશન પર જવાનું પસંદ કરતાં હતા, પરંતુ 2025માં આ ટ્રેન્ડમાં પણ પરિવર્તન આવ્યું છે. લોકો વર્ષમાં શોર્ટ વેકેશન પર જવાનું પસંદ કરી રહ્યા છે. વીક-એન્ડ પર નજીકમાં આવેલી નવી નવી જગ્યાઓ એક્સ્પ્લોર કરી રહ્યા છે.

નાઈટ ટ્રાવેલ, ફોરેસ્ટ વિઝિટઃ
શહેરની ચકાચૌંધ, ભાગદોડ અને સ્ટ્રેસથી દૂર લોકો શાંતિ માટે જંગલોમાં કે રાતના સમયે ફરવાનું પસંદ કરી રહ્યા છે. ચાંદની રાતમાં વોક અને નાઈટ માર્કેટનો કોન્સેપ્ટ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. વાઈલ્ડ લાઈફ સફારી અને કુદરત સાથે જંગલમાં સમય પસાર કરવાનો ટ્રેન્ડ પણ આ વર્ષે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.

એગ્રો ટૂરિઝમઃ
લોકો ગામમાં રહીને ખેતી અને દેસી ફૂડનો લૂત્ફ ઉઠાવવાનું પણ વધારે પસંદ કરી રહ્યા છે, જેને કારણે આ વર્ષે એગ્રો ટૂરિઝમમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. આ સાથે સાથે લોકો યોગ, ધ્યાન અને ધાર્મિક સ્થળ પર પણ જઈ રહ્યા છે, જેથી મનને શાંતિ મળે. પ્રયાગરાજ મહાકુંભ એ આનું સૌથી મોટું ઉદાહરણ છે.

વેબસિરીઝ અને ફિલ્મોમાં જોવા મળતી જગ્યાની મુલાકાતઃ
ઓટીટી પ્લેટફોર્મ આવતી ફિલ્મો અને વેબસિરીઝમાં દેખાડવામાં આવતી સુંદર જગ્યાઓની મુલાકાત લેવાનો ટ્રેન્ડ પણ 2025માં વધી રહ્યા છે. એમાં લોકો મનાલી, મસૂરી, દહેરાદૂન, લદ્દાખ જેવી જગ્યાઓની મુલાકાત લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

નષ્ટ થઈ જાય એ પહેલાં જોઈ લેવાની ચાહઃ
ગ્લોબલ વોર્મિંગને કારણે કેટલીક જગ્યાઓ ધીરે ધીરે નામશેષ થઈ રહી છે અને એટલે જ લોકો એ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય એની પહેલાં તેને જોવા માંગે છે. જોકે, વધારાની ભીડને કારણે એ ડેસ્ટિનેશનને વધારે નુકસાન પહોંચાડે એ વાત કોઈના ધ્યાનમાં નથી આવી રહી.
ટૂંકમાં કહીએ તો 2025નું વર્ષ માત્ર ટ્રાવેલિંગ માત્ર ફરવું જ નહીં પણ પોતાની જાતને સારી અનુભૂતિ કરાવવાની સાથે સાથે નવા નવા અનુભવો લેવાનું માધ્યમ પણ બન્યું છે. આ જ કારણ છે કે લોકો અલગ અલગ હેતુ અને કારણો સાથે બહાર નીકળી રહ્યા છે.
આપણ વાંચો: નવા વર્ષમાં બદલાશે આ મહત્ત્વના નિયમો કે જેની તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, પછી કહેતાં નહીં કે…



