નવમા નોરતે દેવી સિદ્ધદાત્રીની આરાધના આપશે યશ, બળ અને ધનનો ભંડાર; કન્યા પૂજનનું છે મહત્વ

આજે ચૈત્રી નવરાત્રીનું (Chaitra Navratri) આજે છેલ્લું અને નવમું નોરતું છે. આજના દિવસે દેવી દુર્ગાનાં સિદ્ધદાત્રી (Devi Siddhadatri) સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી સિદ્ધદાત્રી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરનારી છે અને ભક્તોને યશ, બળ અને ધન પ્રદાન કરનારી છે. શાસ્ત્રોએ દેવી સિદ્ધદાત્રીને મોક્ષ અને સિદ્ધિની દેવી તરીકે વર્ણવી છે.
ભગવાન શિવને બનવાયા અર્ધનારીશ્વર
એવી માન્યતા છે કે ભગવાન શિવે પણ દેવીનાં સિદ્ધદાત્રી સ્વરૂપની આરાધના કરીને સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી. એવું પણ કહેવાય છે કે દેવી સિદ્ધદાત્રીની કૃપાને જ કારણે તેમનું અડધું સ્વરૂપ દેવીનું થઈ ગયું હતું અને આથી જ તેઓ અર્ધનારીશ્વર કહેવાયા. આજે નવરાત્રીનાં અંતિમ દિવસે માતા સિદ્ધદાત્રીની પૂજા-અર્ચના સાથે ચૈત્ર નવરાત્રીનું સમાપન થાય છે.
આજે રામનવમી
ચૈત્ર નવરાત્રીનો આજે અંતિમ દિવસ છે અને સાથે જ આજે રામનવમી છે. જેને દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. નવરાત્રીનાં આઠમ અને નવમીનાં દિવસે કન્યા પૂજાનું મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે નવમી પર કન્યાની પૂજા કરવાથી આદ્યશક્તિનાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની બધી સમસ્યાઓનો અંત આવે છે. ચાલો જાણીએ કે આ વખતે રામ નવમી પર કન્યા પૂજન માટે શુભ મુહૂર્ત ક્યારે છે.
આ પણ વાંચો: કાળનું પણ દમન કરે છે દેવી કાલરાત્રિ; જાણો સાતમા નોરતાનું માહાત્મ્ય અને પૂજાવિધિ
ક્યારે છે રામનવમી?
હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ 5 એપ્રિલ, 2025 ના રોજ સાંજે 07:26 વાગ્યાથી શરૂ થશે અને 6 એપ્રિલ, 2025 ના રોજ સાંજે 07:22 વાગ્યા સુધી ચાલશે. હિન્દુ ધર્મમાં ઉદય તિથિનું વિશેષ મહત્વ છે અને આ વાતને ધ્યાનમાં રાખીને, રામ નવમી 6 એપ્રિલ 2025 એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે
કન્યા પૂજનનું છે મહત્વ
ચૈત્ર સુદ નવમી એટલે કે રામ નવમીના દિવસે દેવી દુર્ગાના સ્વરૂપ તરીકે નવ નાની કુંવારી કન્યાની પૂજા કરવાનો રિવાજ છે. આ દિવસે આ કન્યાઓના પગ સ્પર્શ કર્યા બાદ તેમને ભોજન પીરસવામાં આવે છે અને આશીર્વાદ લેવામાં આવે છે. કન્યાઓની સાથે એક નાના છોકરાને પણ ઘરમાં બોલાવવામાં આવે છે, જેનું નામ બટુક ભૈરવ છે.