કાળનું પણ દમન કરે છે દેવી કાલરાત્રિ; જાણો સાતમા નોરતાનું માહાત્મ્ય અને પૂજાવિધિ

આજે ચૈત્ર નવરાત્રીનો સાતમો દિવસ છે અને આજનો દિવસ મા કાલરાત્રિને સમર્પિત છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. મા કાલરાત્રિ એ શક્તિનું સ્વરૂપ છે જે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને પોતાના ભક્તોને ભયથી મુક્ત કરીને આશીર્વાદ આપે છે. તેણીને કાલી, મહાકાલી અને કાલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે માતાની પૂજા કરવાથી બધા વિઘ્નો દૂર થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ આવે છે.
માતા કરે છે કાળનું પણ દમન
મા કાલરાત્રિનું સ્વરૂપ ઉગ્ર અને રોદ્ર છે અને આ અવતાર રાક્ષસોના વિનાશ માટે થયો હતો, આથી તેમની પૂજાનું વિશેષ મહત્વ છે. કાળ બધાનું ભક્ષણ કરે છે પરંતુ માતા કાલરાત્રીમાં કાળનું પણ દમન કરવાની શક્તિ છે. દુર્ગા સપ્તશતી અનુસાર, કાલરાત્રિ તરીકે અવતાર લીધા બાદ માતાએ શુંભ અને નિશુંભ સાથે રક્તબીજનો નાશ કર્યો હતો. દેવીનું આ સ્વરૂપ ત્રીનેત્ર સ્વરૂપ છે અને તેમની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે અને ભૂત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરેથી પણ મુક્તિ મળે છે.
લાલ રંગનો ઉપયોગ
માતા કાલરાત્રિને લાલ રંગ ખૂબ પ્રિય છે, તેથી લાલ વસ્ત્રો પહેરીને માતાની પૂજા કરો. માતા દેવીને લાલ ફૂલો, લાલ ફળો અને લાલ વસ્ત્રો અર્પણ કરો. બાદમાં, આ બધી પૂજાની વસ્તુઓ પરિણીત સ્ત્રીને આપી દો.
માતા કાલરાત્રિનો પ્રસાદ
માતા કાલરાત્રિને ગોળ અને ગોળમાંથી બનેલી મીઠાઈઓ ખૂબ જ પ્રિય છે. આ દિવસે માતાને ગોળનો માલપુઆ, ખીર, હલવો અથવા પુરીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આમ કરવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.
આ પણ વાંચો : નવરાત્રિનાં છઠ્ઠે નોરતે દેવી કાત્યાયનીની પૂજાનું મહાત્મય; માતા ચાર ફળનાં છે દાતા!
માતા કાલરાત્રિની પૂજા વિધિ
- સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી પૂજા સ્થળને સાફ કરો.
- લાલ કાપડ પર મા કાલરાત્રિની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરો.
- દીવો અને અગરબત્તી પ્રગટાવો.
- લાલ પુષ્પો, ગોળ, કુમકુમ, ચંદન અને અક્ષત અર્પણ કરો.
- મા કાલરાત્રીનું ધ્યાન કરો અને મંત્રનો જાપ કરો.
- માતા ખાસ કરીને લાલ ચંપા ફૂલો ચઢાવવાથી પ્રસન્ન થાય છે.
- રુદ્રાક્ષની માળાથી મંત્રોનો જાપ કરવાથી વિશેષ ફળ મળે છે.
- છેલ્લે, દેવીની આરતી કરો અને પ્રસાદનું વિતરણ કરો.