બાળકોનો આ ફેવરિટ ફટાકડો છે સૌથી ખતરનાક, કેન્સરનો પણ ખતરો…

દિવાળીએ દસ્તક દઈ દીધી છે. સૌથી મોટો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આજે રજાના માહોલ વચ્ચે ઠેરઠેર રોશની અને લેસર લાઈટ્સ શૉથી શહેરો શણગારવામાં આવ્યા છે. દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું બાળકોએ તો અઠવાડિયા પહેલા શરૂ કરી કરી દીધું છે. દિવાળીના દિવસે રાત્રે આકાશ આતશબાજીથી રંગાઈ જતું હોય છે.
આપણે સામાન્ય રીતે બાળકોને રોકેટ કે બોમ્બ જેવા ફટાકડાથી દૂર રાખીએ છીએ, પરંતુ વાસ્તવમાં એક ફટાકડો એવો છે જે અવાજ કરતો નથી, દઝાડતો નથી, પરંતુ શરીર પર ભારે ખરાબ અસર કરે છે અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કેન્સરને પણ નોતરી શકે છે.
ક્યો ફટાકડો છે જેનાથી થઈ શકે છે કેન્સર

આ ફટાકડાને આપણે નાગ અથવા સાપ તરીકે ઓળખીએ છીએ. મેડિસિન જેવી એક નાનકડી ટીકડીને દિવાસળીથી પેટાવીએ એટલે કાળા રંગનો જે નાગ બહાર આવે છે સૌથી ખતરનાક અસર આપણા આરોગ્ય પર કરે છે. સાવ નાનકડો દેખાતો આ ફટાકડો જ્યારે સાપની જેમ ફેલાય છે ત્યારે તે ધૂમાડો બહાર કાઢે છે. આ ધૂમાડામાં રોગનું મૂળ છે.
શું કહે છે અભ્યાસ
આ અંગે થયેલા અભ્યાસ અનુસાર સાપ બનાવવા માટે નાઈટ્રેટ્સ, સલ્ફર, ભારે ધાતુઓ અને કાર્બન આધારિત રસાયણોનો ઉપયોગ થાય છે. જ્યારે સળગાવવામાં આવે છે, ત્યારે તે નાઈટ્રિક ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને ભારે ધાતુઓ ધરાવતા ઝેરી ધુમાડો બહાર નીકળે છે. આ ધૂમાડાને લીધે વિવધ સમસ્યા ઊભી થાય છે. ઉદાહરણ તરીકે, ઝેરી કાર્બનિક સંયોજનો સમય જતાં શરીરમાં એકઠા થઈ શકે છે અને કેન્સરનું કારણ બની શકે છે.
વધુમાં, તેનો ધુમાડો ફેફસાંને નબળો પાડે છે અને અસ્થમા, બ્રોન્કાઇટિસ અને એલર્જી જેવી સમસ્યાઓને વધારી શકે છે. આ ફટાકડામાંથી નીકળતો ધુમાડો આંખોમાં બળતરા અને પાણી લાવી શકે છે, અને ત્વચાની એલર્જીનું કારણ પણ બની શકે છે. સામાન્ય રીતે મોટાભાગના ફટાકડામાં વિવિધ પ્રકારના રસાયણો હોય છે. પોટેશિયમ નાઈટ્રેટ શ્વાસના રોગ માટે જોખમી પરિબળ છે.
બીજું, સલ્ફર ફેફસાના નુકસાન માટે જોખમી પરિબળ છે. ત્રીજું, કોલસો માઈગ્રેન અને કેન્સર માટે જોખમી પરિબળ છે. ચોથું, સ્ટ્રોન્ટીયમ નાઈટ્રેટ કેન્સર માટે જોખમી પરિબળ છે. બેરિયમ, કોપર અને પરક્લોરેટ પણ ફટાકડામાં હોય છે. આથી એકંદરે ફટકાડાનો ધૂમાડો શ્વાસમં જાય તો નુકસાન થાય છે.
નાના બાળકોની અથવા જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને આ ધૂમાડાથી ઝડપથી સમસ્યા થઈ શકે છે. આથી બની શકે તો તમારા બાળકોને આ ફટાકડાથી દૂર રાખો, અથવા જ્યારે પણ તેઓ આ ફટકાડા ફોડે ત્યારે તેમની સાથે રહો અને તેને ધૂમાડાથી દૂર રાખવાનો પ્રયત્ન કરો.
આ પણ વાંચો…ફાયર ક્રેકર્સ ઈન્સ્યોરન્સ વિશે સાંભળ્યું છે? હજુ મોડું નથી થયું લેવો હોય તો લઈ લો