સ્પેશિયલ ફિચર્સ

સોના કરતાં પણ મોંઘી છે આ ધાતુ, 200 કિલો સોના અને એક ગ્રામ ધાતુનો ભાવ એક સરખો…

હાલમાં સોનાના ભાવ જોતાં તો તે આમ આદમીની પહોંચ બહાર જતું રહ્યું છે. રોકાણની દ્રષ્ટિએ પણ સોનાને સૌથી મૂલ્યવાન ધાતુ માનવામાં આવે છે. પરંતુ જો તમને કોઈ કહે કે દુનિયામાં સોના કરતાં પણ મોંઘી ધાતુ છે તો તમને લાગશે અહીં વ્હાઈટ ગોલ્ડ એટલે કે પ્લેટિનમની વાત થઈ રહી છે તો તમારો આ જવાબ ખોટો છે. અહીં જે ધાતુની વાત થઈ રહી એ ધાતુના એક ગ્રામની કિંમત અને 200 કિલો સોનાની કિંમત સમાન છે. ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને જણાવીએ કે આખરે કઈ છે આ ધાતુ…

અમે અહીં જે ધાતુની વાત કરીએ રહ્યા છીએ એ ધાતુ છે કેલિફોર્નિયમ. કેલિફોર્નિયમ ધાતુના એક ગ્રામની કિંમતની વાત કરીએ તો 200 કિલો સોનુ ખરીદી શકાય એટલા પૈસામાં એક ગ્રામ કેલિફોર્નિયમ આવે છે. કદાચ સાંભળવામાં થોડું અશક્ય લાગે, પણ આ હકીકત છે. હવે આગળ વધીએ અને વાત કરીએ કે કેલિફોર્નિયમ ધાતુ આટલી મોંઘી કેમ છે અને તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે.

કેલિફોર્નિયમ એક કૃત્રિમ રેડિયોએક્ટિવ રાસાયણિક તત્વ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી ધાતુ છે તે માણસે બનાવી છે અને તે કુદરતી રીતે પૃથ્વી પર મળતું નથી. આ એક સિન્થેટિક તત્વ છે, પરંતુ તેની ઉત્પાદન પ્રક્રિયા ખૂબ જ અઘરી છે. આખી દુનિયામાં તેને સપ્લાય કરનારાઓ ખૂબ જ ઓછા છે, જેને કારણે પણ તે આટલી મોંઘી છે. કેલિફોર્નિયમ ખૂબ જ દુર્લભ છે.

કેલિફોર્નિયમની કિંમત 1.2 કરોડ પ્રતિ કિલોગ્રામ છે અને એટલે એવું કહી શકાય કે એક ગ્રામ કેલિફોર્નિયમથી 200 કિલોગ્રામ સોનું ખરીદી શકો છો. આ ધાતુની શોધ વર્ષ 1950માં કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેના સંશોધકોએ કરી હતી. આ કારણે કેલિફોર્નિયમનું નામ એ યુનિવર્સિટીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

વાત કરીએ કેલિફોર્નિયમનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે એની તો કેલિફોર્નિયમનો ઉપયોગ પરમાણુ રિએક્ટર્સમાં થાય છે. પરમાણુ ઉદ્યોગ માટે આ એક મહત્ત્વનો ઘટક છે, જેનો ઉપયોગ નાના મોડ્યુલર રિએક્ટરો, મેડિકલ ટ્રીટમેન્ટ, અંતરીક્ષ સંશોધન, ઔદ્યોગિક પ્રોજેક્ટમાં પણ કરવામાં આવે છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button