મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય…: બે-ત્રણ ભેંસોએ મળીને સિંહના ટોળાને ભગાડ્યુંઃ જૂઓ વીડિયો

Viral Video: મિત્ર એવો શોધીએ જે ઢાલ સરિખો હોય દુઃખમાં આગળ પડી રહે સુખમાં પાછળ હોય
આ ખૂબ જ જાણીતી પંક્તિ માણસોએ તો નહીં પણ પ્રાણીઓ સાચી ઠેરવી છે. સાચો મિત્ર હંમેશા દુખના સમયમાં મદદે આવે છે તથા સંગઠનમાં મોટી તાકાત છૂપાયેલી હોય છે. આવો બોધ આપતી વાર્તાઓ નાના બાળકોને શાળામાં ભણાવવામાં આવે છે. જોકે, ઘણી જગ્યાએ આ વાતની સાક્ષી પૂરતું ઉદાહરણ પણ જોવા મળે છે. તાજેતરમાં જંગલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સિંહણ અને ભેંસોના ઝુંડ વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે. આ સંઘર્ષમાં એકતાનું ઉદાહરણ જોવા મળ્યું છે.
‘સાચો મિત્ર ક્યારેય તમારો સાથ છોડતો નથી’
Wildlife Uncensored નામના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવેલો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘણી બધી સિંહણોએ એક ભેંસને ઘેરી લીધી છે. સિંહણો ભેંસને જમીન પર પાડી દઈને તેને પોતાનો ખોરાક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે ભેંસ પોતાની જાતને બચાવવાનો પૂરતો પ્રયાસ કરે છે. પરંતુ એકલી હોવાના કારણે તે લાચાર થઈ જાય છે. એવા સમયે બે-ત્રણ ભેંસોનું એક ટોળું અચાનક તેની મદદ માટે આવી પહોંચે છે. ભેંસો દ્વારા કરવામાં આવેલા જબરદસ્ત હુમલાના કારણે સિંહણો હાર માનીને પીછેહઠ કરી લે છે.
‘સાચો મિત્ર ક્યારેય તમારો સાથ છોડતો નથી’ આ કેપ્શન સાથે એક્સ પર શેર કરવામાં આવેલા આ 29 સેકન્ડના વીડિયોને અત્યારસુધી 88 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સાથોસાથ આ વીડિયોને લઈને કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક યુઝર્સે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, “આ છે અસલી દોસ્તી, જે મોતના મુખમાંથી પણ પાછી ખેંચી લાવે.” બીજા યુઝર્સે લખ્યું કે, “સિંહણ જંગલની રાણી હોઈ શકે છે, પરંતુ ભેંસોના ટોળું આવતા જ પરિસ્થિતિ બદલાઈ જાય છે.” જ્યારે ઘણા યુઝર્સ આ વીડિયોને ટીમવર્કની તાકતનું ઉદાહરણ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો…એશિયાટિક સિંહોના સંવર્ધનની વાતો વચ્ચે આટલા સિંહના મોતઃ કૉંગ્રેસે સરકાર પર કર્યા આક્ષેપો