સ્પેશિયલ ફિચર્સ

કમાલનો ડાઇવિંગ કૅચ…બાઉન્ડરીની બહાર જતાં પહેલાં સાથી ફીલ્ડરને બૉલ સોંપતો ગયો!

કેન્સિંગ્ટન ઓવલઃ બાર્બેડોઝમાં બ્રિજટાઉનના મેદાન પર બુધવારે ઇંગ્લૅન્ડ સામેની નિર્ણાયક વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝના ઓપનિંગ બૅટર બૅ્રન્ડન કિંગે અજબ-ગજબ કૅચ પકડ્યો હતો. તેણે આ કૅચ પકડતાં જ વેસ્ટ ઇન્ડિઝ ઉપરાંત ઇંગ્લૅન્ડ-તરફી ક્રિકેટપ્રેમીઓ પણ વાહ-વાહ પોકારી ઉઠ્યા હતા.

ઇંગ્લૅન્ડની 41મી ઓવર કૅરિબિયન બોલર મૅથ્યૂ ફોર્ડેએ કરી હતી જેના ત્રીજા બૉલ પર બ્રિટિશ ઓપનર ફિલ સૉલ્ટે લેગ સાઇડમાં સિક્સર ફટકારવાની કોશિશમાં ઊંચો શૉટ માર્યો હતો. અમુક અંશે એમાં તે સફળ રહ્યો હતો, પરંતુ બૅ્રન્ડન કિંગે તેની બાજી બગાડી હતી.

આપણ વાંચો: હાર્દિકનો કૅચ તો કંઈ જ ન કહેવાય, રાધાનો કૅચ જોશો તો ચોંકી જશો!

બાઉન્ડરી લાઇન પાસે ઊભેલા કિંગે ઊંચા થઈને કૅચ તો પકડ્યો, પણ એ કૅચ કમ્પ્લીટ થાય એ પહેલાં તેને થયું કે તે બૉલ સાથે બાઉન્ડરી લાઇનની બહાર જતો રહેશે.

https://twitter.com/i/status/1854292114135306591

એવું વિચારીને પળવારમાં તેણે બાઉન્ડરી તરફ ડાઇવ મારતી વખતે બૉલ નજીક ઊભેલા અલ્ઝારી જોસેફ તરફ ફેંક્યો હતો અને જોસેફે બૉલ ઝીલીને કૅચ કમ્પ્લીટ કર્યો હતો. આ અણધારી જુગલબંધીને કારણે સૉલ્ટે પૅવિલિયન તરફ ચાલતી પકડવી પડી હતી. નવાઈની વાત એ છે કે રેકૉર્ડમાં આ કૅચ અલ્ઝારી જોસેફના નામે લખાયો છે.

બે્રન્ડન કિંગે પછીથી બૅટિંગમાં પણ કમાલ દેખાડી હતી. તેણે 117 બૉલમાં એક સિક્સર અને તેર ફોરની મદદથી 102 રન બનાવ્યા હતા. તેની અને કેસી કાર્ટી (અણનમ 128) વચ્ચે બીજી વિકેટ માટે 209 રનની ભાગીદારી થઈ હતી. વેસ્ટ ઇન્ડિઝે 264 રનનો લક્ષ્યાંક 43 ઓવરમાં નોંધાવેલા 267/2ના સ્કોર સાથે મેળવીને સિરીઝ 2-1થી જીતી લીધી હતી. કિંગને મૅન ઑફ ધ મૅચનો અને મૅથ્યૂ ફોર્ડેને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button