લાડકીસ્પેશિયલ ફિચર્સ

ભારતની વીરાંગનાઓ : વિદેશમાં શૂટિંગ કરનાર પ્રથમ ભારતીય અભિનેત્રી: નલિની જયવંત

-ટીના દોશી

નાઝ ફિલ્મ વિશે સાંભળ્યું છે ?
અશોક કુમાર અને નલિની જયવંત અભિનીત અને વર્ષ ૧૯૫૪માં પ્રદર્શિત થયેલી નાઝ ફિલ્મનું શૂટિંગ ઈજિપ્તની રાજધાની કેરો અને લંડનમાં થયેલું. ફિલ્મની માર્કેટિંગ સ્ટ્રેટેજી અનુસાર ફિલ્મના એક પોસ્ટરમાં નલિની જયવંતને મિસરની દેવીના રૂપમાં દર્શાવવામાં આવેલી… ફિલ્મની વિશેષતા એ હતી કે કોઈ ભારતીય અભિનેત્રીએ વિદેશમાં શૂટિંગ કર્યું હોય એવી આ પહેલી ફિલ્મ હતી. એ રીતે જોઈએ તો વિદેશની ધરતી પર શૂટિંગ કરનાર પહેલી ભારતીય અભિનેત્રી નલિની જયવંત હતી !

નલિની જયવંતની ગણના એના જમાનાની ખૂબસૂરત અભિનેત્રીઓમાં થતી. એની તુલના મધુબાલા સાથે પણ કરાતી. નલિનીએ રાધિકા, બહેન, અનોખા પ્યાર, મુનિમજી, હમ સબ ચોર હૈં, રાની રૂપમતી, કિતના બદલ ગયા ઇન્સાન, મિસ બોમ્બે, નીલમણિ, મિસ્ટર એક્સ, માં કે આંસૂ, મુક્તિ, અમર રહે યે પ્યાર અને બોમ્બે રેસકોર્સ સહિત અંદાજે સાઠેક ફિલ્મોમાં કામ કરેલું. એમાં કાલા પાની માટે એને વર્ષ ૧૯૫૯માં ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર મળેલો. ઉપરાંત શિકસ્ત અને રેલવે પ્લેટફોર્મમાં નલિનીની ભૂમિકા પ્રશંસનીય અને યાદગાર બની ગયેલી.

રૂપેરી પરદાની મશહૂર અદાકારા એવી નલિની જયવંતનો જન્મ ૧૮ ફેબ્રુઆરી ૧૯૨૬ના બ્રિટિશ રાજના મુંબઈ શહેરમાં થયેલો. એના પરિવારનો અભિનય સાથે પહેલેથી જ નાતો રહ્યો. નલિની કથકમાં પારંગત થયેલી. એની માસી રતનબાઈ મરાઠી ગાયિકા અને અભિનેત્રી હતી. જોકે નલિનીના પિતાને સિનેસૃષ્ટિ પ્રત્યે અણગમો હતો. ડિસેમ્બર ૧૯૩૧માં, નલિની પાંચ વર્ષની હતી ત્યારે રતનબાઈના પતિ પ્રભાકર શિલોત્રીનું મૃત્યુ થયું. પરિણામે રતનબાઈ અને એની ૧૫ વર્ષની દીકરી સરોજિનીએ નલિનીના ઘરમાં આશરો લેવો પડ્યો. આ અરસામાં નલિનીના પિતાના પિતરાઈ કુમારસેન સમર્થ જર્મનીમાં સિનેમેટોગ્રાફીનો અભ્યાસ કરીને ભારત પાછા ફરેલા. કુમારસેનથી પ્રભાવિત સરોજિની અભિનયની આલમમાં પદાર્પણ કરવા ઈચ્છુક હતી. પણ નલિનીના પિતાએ આ બાબતનો વિરોધ કર્યો. એથી રતનબાઈ, સરોજિની અને કુમારસેને નલિનીનું ઘર છોડવું પડ્યું. ત્યાર બાદ સરોજિની શોભના નામે રૂપેરી પરદે ચમકી અને એણે કુમારસેન સમર્થ સાથે લગ્ન કરી લીધાં. આ શોભના અને કુમારસેન સમર્થની દીકરીઓ તે સુપરહિટ સિનેતારિકાઓ નૂતન અને તનુજા. એ હિસાબે નલિની જયવંત એમની માસી થાય.

શોભના સમર્થે ફિલ્મોમાં કાઠું કાઢ્યું, પણ નલિની માટે સિનેપ્રવેશ સહેલો નહોતો. નલિની સિનેસૃષ્ટિમાં ચમકવાનું સોહામણું સપનું જોયા કરતી, પણ એના પિતા ફિલ્મોના વિરોધી હતા. એવામાં નલિનીને ફિલ્મી કથાની જેમ જ ફિલ્મમાં અભિનય કરવાની તક મળી ગઈ. એ અરસામાં હિન્દી સિનેમાના પ્રારંભિક દોરના નિર્માતા-નિર્દેશકોમાં ચીમનલાલ દેસાઈ હતા. એમની નેશનલ સ્ટુડિયોઝ નામે કંપની. એક વાર ચીમનલાલ દેસાઈ એમના પુત્ર વીરેન્દ્ર સાથે ફિલ્મ જોવા સિનેમાઘર પહોંચ્યા. શો દરમિયાન પિતાપુત્રની નજર નલિની જયવંત પર પડી. ઉંમર માંડ તેરચૌદ વર્ષ. પિતાપુત્રએ નક્કી કરી લીધું કે એ છોકરીને જ પોતાની આગલી ફિલ્મમાં મુખ્ય કિરદારમાં લેશે.

 દરમિયાન, એક દિવસ વીરેન્દ્ર દેસાઈ શોભના સમર્થની મોટી દીકરી નૂતનના જન્મદિનના જલસામાં સામેલ થવા ગયા.  જોયું તો નલિની ત્યાં મોજૂદ હતી. નલિનીને જોતાં જ વીરેન્દ્રની આંખોમાં ચમક આવી ગઈ. પરિચય થયો ત્યારે ખબર પડી કે શોભના નલિનીના માસીની દીકરી હતી. વીરેન્દ્ર  હાથમાં આવેલો મોકો જવા દેવા માગતા નહોતા. એમણે વિના વિલંબે નલિની સમક્ષ ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ મૂકી દીધો. નલિની માટે તો આ પ્રસ્તાવ દોડવું’તું ને ઢાળ મળવા જેવો હતો. વીરેન્દ્ર દેસાઈએ નલિનીના પિતાને મનાવી લીધા. પિતાએ માનવું પડે એવા સંજોગો પણ હતા. જયવંત પરિવારની આર્થિક સ્થિતિ ત્યારે ડામાડોળ હતી. પોતાનું ઘર પણ નહોતું. એક સંબંધીના નાનકડા ઘરમાં એમણે આશ્રય લેવો પડેલો. આવી સ્થિતિમાં લક્ષ્મી ચાંલ્લો કરવા આવેલી. નલિનીના પિતા કપાળ ધોવા ન ગયા. નલિનીને ફિલ્મમાં કામ કરવા હામી ભણી. 

આ રીતે નલિની જયવંતનો અભિનયની દુનિયામાં પ્રવેશ થયો. વીરેન્દ્ર દેસાઈ નિર્મિત નલિનીની પહેલી ફિલ્મ ‘રાધિકા’ વર્ષ ૧૯૪૧માં પ્રદર્શિત થઈ. ફ્રોક અને બે ચોટી સાથે શાળામાં ભણતી નલિની સિનેસૃષ્ટિનો ઊગતો સિતારો બની. નલિનીએ ‘રાધિકા’માં રાધાની ભૂમિકા ભજવેલી. એ પછી વર્ષ ૧૯૪૨માં આંખમિંચોલી’ ફિલ્મની સફળતાએ નલિનીને આસમાને પહોંચાડી દીધી. ‘આંખમિંચોલી’ કરતાં કરતાં વીરેન્દ્ર દેસાઈ અને નલિની જયવંત વચ્ચે પણ ‘આંખમિંચોલી’ થઈ. વીરેન્દ્ર પરિણીત હતા અને એક બાળકના પિતા હતા. છતાં ૧૯૪૫માં બન્નેએ પ્રભુતામાં પગલાં પાડ્યાં. જોકે ત્રણ વર્ષના ટૂંકા લગ્નજીવન પછી, ૧૯૪૮માં વીરેન્દ્ર અને નલિની છૂટાં પડ્યાં.

રાહ અલગ થયાના બીજે જ વર્ષે, ૧૯૪૯માં નલિનીએ ચકોરી અને આંખેં ફિલ્મમાં ધૂમ મચાવી. ૧૯૫૪માં નાઝ ફિલ્મનું વિદેશમાં શૂટિંગ કરનાર પહેલી ભારતીય અભિનેત્રી બની. નલિનીની ફિલ્મોની સંખ્યા વધી, એમ એની ઉંમર પણ વધી. ગણતરીની ફિલ્મો જ એને મળતી. આવી જ એક ફિલ્મ ‘અમર રહે પ્યાર’ના શૂટિંગ દરમિયાન સહ કલાકાર પ્રભુ દયાલના પ્રેમમાં પડી. વર્ષ ૧૯૬૦માં, બન્ને શૂટિંગ દરમિયાન પરણી ગયાં. લગ્ન પછી ‘બોમ્બે રેસકોર્સ’નું શૂટિંગ પૂરું કરીને નલિનીએ સિનેમાથી દૂરી બનાવી લીધી. અઢાર વર્ષના અંતર પછી, ૧૯૮૩માં નલિની ‘નાસ્તિક’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકામાં દેખાયેલી. એ એની છેલ્લી ફિલ્મ હતી.

વર્ષ ૨૦૦૧માં પ્રભુ દયાલનું મૃત્યુ થયા પછી નલિની એકલી થઈ ગઈ. એણે પોતાને ચેમ્બુરના યુનિયન પાર્ક નામના એકદંડિયા બંગલામાં કેદ કરી લીધી. ૨૨ ડિસેમ્બર ૨૦૧૦ના નલિનીનું મૃત્યુ થયાના ત્રણ દિવસ બાદ લોકોને એના અવસાન અંગે સમાચાર મળ્યા… નલિનીની દાસ્તાન એક કડવી અને કરુણ સચ્ચાઈ બયાન કરે છે કે, દીવા તળે અંધારું જ હોય છે !

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker