વર્ષ સુધી કબાટમાં પડી રહેલા ધાબળામાંથી ગંધ આવી રહી છે? જાણો તેની સફાઈની ઘરેલુ ટિપ્સ

Blanket Cleaning Tips: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, અને હવે સમય આવી ગયો છે કે તમે તમારા જાડા ધાબળા અને રજાઈ બહાર કાઢો.
જો લાંબા સમય સુધી સ્ટોર કર્યા બાદ તમારા ધાબળામાંથી જૂની, ધૂંધળી ગંધ આવી રહી હોય અથવા તે ગંદા લાગતા હોય, તો તેને ધોવા કે ડ્રાય ક્લીનિંગ કરાવવાનો ખર્ચાળ કે સમય લેનારો વિકલ્પ પસંદ કરવાની જરૂર નથી. અહીં કેટલીક સરળ ટિપ્સ આપેલી છે, જેની મદદથી તમે તમારા ધાબળા અને રજાઈને ધોયા વગર સાફ અને સુગંધિત કરી શકો છો.
ધાબળાની ગંધ દૂર કરશે સૂર્યપ્રકાશ
જો તમારા ધાબળા કે રજાઈમાંથી માત્ર ભેજ કે ધૂંધળી ગંધ આવી રહી હોય, તો સૌથી સહેલો ઉપાય છે સૂર્યપ્રકાશ. ધાબળાને થોડા કલાકો માટે સીધા સૂર્યપ્રકાશમાં સુકાવો. સૂર્યપ્રકાશ ભેજ અને ગંધ પેદા કરતા બેક્ટેરિયાને કુદરતી રીતે દૂર કરે છે, જેનાથી ધાબળો તાજો થઈ જાય છે.
જાડા રજાઈ કે ધાબળામાંથી આવતી ગંધ દૂર કરવા માટે સફેદ વિનેગર (White Vinegar) અસરકારક છે. એક સ્પ્રે બોટલમાં સરકો અને પાણી સમાન પ્રમાણમાં મિક્સ કરો.
આ મિશ્રણને ધાબળા પર હળવો સ્પ્રે કરો. આ કરતી વખતે ધ્યાન રાખો કે ધાબળો વધારે ભીનો ન થાય.. પછી, તેને તડકામાં અથવા હવાની અવરજવરવાળી જગ્યાએ સૂકવવા દો. વિનેગર ગંધને દૂર કરીને ધાબળાને તાજગી આપે છે.
આપણ વાચો: શિયાળાની શરૂઆત વચ્ચે વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોની વધી ચિંતા
કપૂર અને બેકિંગ સોડાનો અરસકારક ઉપાય
કપૂરનો ઉપયોગ ધાબળાને સુખદ સુગંધ આપવા અને ભેજ દૂર કરવા માટે થઈ શકે છે. કપૂરની ગોળીઓને કપડામાં લપેટીને અથવા નાની પોટલીમાં બાંધીને ધાબળાના કવરની અંદર થોડા કલાકો માટે મૂકો. આ પ્રક્રિયા ધાબળામાંથી બાકી રહેલો ભેજ અને ગંધ દૂર કરવામાં મદદ કરે છે, અને તેને સુગંધિત બનાવે છે.
બેકિંગ સોડા એક ઉત્તમ કુદરતી ડીઓડોરાઇઝર (ગંધ દૂર કરનાર) છે. ધાબળાને સપાટ જગ્યા પર ફેલાવીને તેના પર બેકિંગ સોડા છાંટો. તેને લગભગ 15-20 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ધાબળાને સારી રીતે ખંખેરી નાખો અથવા વેક્યુમ ક્લીનરથી સાફ કરી લો. બેકિંગ સોડા ગંદકી, ધૂળ અને બધી જ ખરાબ ગંધને શોષી લે છે.
 
 
 
 


