સ્પેશિયલ ફિચર્સ

જ્યાં દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે અને ખંડિત થઈ જાય છે! જાણો મંદિર’ના અનોખા રહસ્ય વિશે…

ભારતમાં અનેક વિવિધ મંદિરો આવેલા છે અને આ મંદિરો સાથે જોડાયેલી છે વિવિધ દંતકથાઓ. આ દંતકથાઓ વિશે જ્યારે જાણીએ ત્યારે વિશ્વાસ ના થાય પણ કરવો જ પડે છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક મંદિરની માહિતી લઈને આવ્યા છીએ. હિમાચલ પ્રદેશમાં આવેલા આ મંદિરમાં દર 12 વર્ષે શિવલિંગ પર વીજળી પડે છે અને શિવલિંગ ખંડિત કરે છે. ગામવાસીઓ અને પૂજારીઓ સત્તુ અને માખણથી ફરી શિવલિંગ જોડી દે છે. ચાલો તમને આ પાથળની સ્ટોરી જણાવીએ…

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલું આ મંદિર ભક્તોમાં બિજલી મહાદેવ મંદિરના નામે પ્રખ્યાત છે. કુલ્લુથી આ મંદિર 12 કિલોમીટર દૂર આવેલું છે. દર 12 વર્ષે વીજળી શિવલિંગ પર પડે છે અને શિવલિંગ તૂટી પડે છે. ગામવાસીઓ અને સ્થાનિકો આ ઘટનાને ભગવાન શિવની લીલા માને છે.

આ પાછળની ધાર્મિક માન્યતા વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે ભગવાન શિવ ખુદ શિવલિંગ પર વીજળી પાડે છે અને આવું કરીને તેઓ ધરતી પર આવનારા તમામ સંકટો પોતાની ઉપર વહોરી લે છે. જેવી વીજળી શિવલિંગ પર પડે છે ત્યારે મોટો ધમાકો થાય છે અને શિવલિંગના ટૂકડાં થઈ જાય છે. સ્થાનિકો આને એક અનોખી પરંપરાનો હિસ્સો માને છે.

વીજળી પડ્યા બાદ જ્યારે શિવલિંગ તૂટી જાય છે ત્યારે ગામવાસીઓ અને પૂજારીઓ તૂટેલા શિવલિંગના ટૂકડાને ખૂબ જ કાળજીપૂર્વક માખણ અને સત્તુના લેપથી જોડી નાખે છે. થોડાક સમય બાદ આ લેપ હટી જાય છે અને શિવલિંગ હતું એવું થઈ જાય છે. ત્યાર બાદ ગામવાસીઓ ફરી વિધિવત આ શિવલિંગની પૂજા કરે છે. સ્થાનિક લોકો માટે આને ચમત્કારિક ઘટના માને છે.

પૌરાણિક કથા અનુસાર વ્યાસ નદી પાસે કુલાંત નામનો રાક્ષસ આ પૂરી ઘાટીને ડુબાડી દેવા તૈયાર હતો. એણે અજગરનું રૂપ ધારણ કરીને આસપાસના લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું હતું. આ જોઈને ભગવાન શિવજી અહીં પ્રગટ થયા અને રાક્ષસ સાથે યુદ્ધ કરીને તેની પૂંછમાં આગ લગાવી દીધી, જેને કારણે તેનું મૃત્યુ થઈ ગયું. એવી માન્યતા છે કે આ જ પર્વત પર કુલાંત રાક્ષસનું શરીર પર પડ્યું હતું. જ્યાં બાદમાં ભગવાની શિવજીની સ્થાપના કરી હતી. આ જ કારણસ આ જગ્યાને કુલાંત પીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે.

છે ને એકદમ કામની માહિતી? હવે જ્યારે હિમાચલ પ્રદેશ તરફ ફરવા જાવ જ્યારે ચોક્કસ જ આ બીજલી મહાદેવ મંદિરની મુલાકાત લેજો હં ને? આવી જ બીજી ઈન્ટરેસ્ટિંગ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button