આ સરળ રીતેથી ખરી મીઠાઈની કરો ઓળખ, નકલી માવાથી બચો સ્વસ્થ રહો…

દિવાળીનો તહેવાર ખુશીઓ અને મિઠાઈઓની મોસમ લઈને આવે છે, પરંતુ આ ઉત્સવની રોનકમાં નકલી અને મિલાવટી મિઠાઈઓનું વેચાણ પણ વધી જાય છે. ગુજરાતમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે તાજેતરમાં મોટા પ્રમાણમાં વિવિધ જગ્યા પર અખાદ્ય ખોરાક જપ્ત કર્યો છે, જે આરોગ્ય માટે જોખમી હોઈ શકે છે. આ સમાચાર દિવાળી દરમિયાન ગ્રાહકો માટે સાવધાનીની ઘંટડી છે, જેથી તેઓ નકલી ખોયાની ઓળખ કરીને સુરક્ષિત રહી શકે.
દિવાળીના તહેવારમાં માવામાંથી બનતી મિઠાઈઓ જેવી કે ગુલાબ જાંબુ અને બરફી દરેક ઘરની શોભા વધારે છે, પરંતુ નકલી ખોયાથી બનતી આ મિઠાઈઓ આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. આવી મિઠાઈઓ ખાવાથી પેટના રોગો, એલર્જી અને અન્ય આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે, તેથી ખરીદી પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે.
નકલી માવા બનાવવા માટે ઘણીવાર મેંદો, સ્ટાર્ચ, સિન્થેટિક દૂધ, ડિટર્જન્ટ અને વનસ્પતિ તેલ જેવી હાનિકારક ચીજોનો ઉપયોગ થાય છે. અસલી માવો હળવો ક્રીમી કે પીળાશ પડતો હોય છે અને તેમાં દૂધની હળવી સુગંધ આવે છે. આ માવો બનાવતી વખતે થોડો દાણાદાર અને નરમ હોય છે. બીજી તરફ, નકલી માવો ખૂબ સફેદ, ચીકણો કે પ્લાસ્ટિક જેવો દેખાય છે, જે ખાવા માટે અસુરક્ષિત હોય છે.
કેમ ઓળખાય નકલી માવો
નકલી માવાને ઓળખવા માટે કેટલીક સરળ રીતો છે, જે ઘરે અજમાવી શકાય છે.
હાથથી ઘસવું: માવાને હથેળી પર ઘસો, જો તેમાંથી ઘી નીકળે અને મીઠી સુગંધ આવે, તો તે અસલી છે; નકલી માવો ચીકણો લાગે છે.
ગોળી બનાવવી: માવાની ગોળી બનાવો, જો તે તૂટે કે તિરાડ પડે, તો તે મિલાવટી છે, કારણ કે અસલી માવો નથી તૂટતો.
ગરમ કરવું: માવાનો ટુકડો ગરમ કરો, જો તે ઘી છોડે તો અસલી છે, પરંતુ પાણી છોડે તો નકલી છે.
સ્વાદ ચાખવો: અસલી માવો મોંમાં ઓગળી જાય છે અને દૂધનો હળવો મીઠો સ્વાદ આપે છે, જ્યારે નકલી માવો મોંમાં ચોંટે છે.
આયોડિન ટેસ્ટ: ગરમ પાણીમાં માવો ઓગાળી તેમાં આયોડિનનાં ટીપાં નાખો, જો રંગ નીલો થાય તો તેમાં સ્ટાર્ચની મિલાવટ છે.
ગ્રાહકો માટે સાવચેતીની સલાહ
દિવાળીની ખરીદી દરમિયાન ગ્રાહકોએ વિશ્વસનીય અને પ્રમાણિત દુકાનોમાંથી જ મિઠાઈઓ ખરીદવી જોઈએ. નકલી માવાથી બનેલી મિઠાઈઓ ખાવાથી પેટની સમસ્યાઓ, ફૂડ પોઈઝનિંગ અને લાંબા ગાળાની આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. ઉપરોક્ત પરીક્ષણોનો ઉપયોગ કરીને માવાની ગુણવત્તા તપાસો અને તહેવારની ઉજવણીને સુરક્ષિત અને આનંદમય બનાવો.