ચોમાસામાં કારેલા છે શરીર માટે ‘રામબાણ ઔષધી’: પાચન, લીવર અને ડાયાબિટીસમાં કરશે કમાલ!

આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ. ઊની ઊની રોટલીને કારેલાનું શાક. બાળપણમાં આ જોડકણું દરેક બાળકને સંભળાવવામાં આવે છે. આ જોડકણું ચોમાસામાં શરીરને સ્વસ્થ રાખવાનું એક સુત્ર છે. ચોમાસા દરમિયાન કારેલીના વેલાઓ પર નાના-મોટા કારેલા ઊગી નીકળે છે. જેનું ચોમાસા દરમિયાન સેવન કરવાથી શરીરને ફાયદો થાય છે.
ચોમાસા દરમિયાન પાચનતંત્ર મંદ પડી જાય છે. જેથી ખોરાક જલદી પચતો નથી. કારેલામાં ફાઇબર અને પાણીનું પ્રમાણ વધારે હોય છે. જે પાચનતંત્રને મજબૂત બનાવે છે. જેથી ચોમાસામાં કારેલાનું સેવન ફાયદાકારક છે.

ચોમાસામાં ભારે ખોરાક ખાવાથી લિવર પર ભાર પડે છે. કારેલાનો કડવો સ્વાદ લિવરમાં પિત્તનું પ્રમાણ વધારે છે. સાથોસાથ તે લિવર સેલ્સની પણ રક્ષા કરે છે. જેનાથી લિવર ડિટોક્સ થાય છે અને પાચનક્રિયા મજબૂત બને છે.
લિવરની સમસ્યા બાદ ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા રામબાણ ઉપાય છે. કારેલામાં ચારેંટિન, પૉલીપેપ્ટાઇડ-પી અને વિસિન જેવા બાયોએક્ટિવ કંપાઉન્ડ્સ હોય છે. જે ઇન્સ્યુલિનની નકલ કરે છે અને ઇન્સ્યુલિનની સેન્સિટિવિટીમાં સુધારો કરે છે. આમ, કારેલા સુગર કંટ્રોલ કરવાનો કુદરતી ઉપાય છે.

કારેલામાં સોજાવિરોધી અને એન્ટીમાઇક્રોબિયલ ગુણો રહેલા છે. જે લોહીને શુદ્ધ કરવાનું તથા સોજો ઘટાડવામાં મદદ કરે છે. જેથી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે. સાથોસાથ ચહેરા પર કુદરતી નિખાર આવે છે. આ સિવાય કારેલામાં એન્ટિ ઓક્સિડેન્ડ તરીકે કામ કરતા વિટામિન સી, ફ્લેવોનોઇડ્સ અને પૉલીફેનૉલ્સ જેવા પોષક તત્વો પણ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેથી કારેલા ચોમાસામાં જોવા મળતી તાવ, શરદી-ખાંસી જેવી વાયરલ બીમારીઓનો અક્સીર ઉપાય છે.