નખ પર સફેદ રંગની આડી કે ઊભી રેખાઓ દેખાય તો સાવધાન, આ ગંભીર બીમારીની છે નિશાની…

Nail Care Tips: નખ હાથની સુંદરતા વધારે છે. જેથી મહિલાઓ નખની કાળજી વધારે રાખતી હોય છે. નખને કોઈ નુકસાન થાય એ મહિલાઓને ગમતું નથી. પરંતુ ઘણીવાર નખનો રંગ બદલાઈ જાય છે. જેમાં ખાસ કરીને નખ કાળા પડી જવા, સફેદ પડી જવા, નખ પર સફેદ અથવા કાળી રેખાઓ દેખાવા લાગે છે. નખ પર જોવા મળતા આવા લક્ષણો આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા કેટલાક સંકેતો આપે છે. આ સંકેતો શરીરને લગતી કઈ સમસ્યાના છે, આવો જાણીએ.
ઘડપણની નિશાની છે નખ પરની રેખાઓ
તમારા શરીરમાં પોષણની ઉણપ અથવા કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. ઘણા લોકોના નખ પર ઊભી (સીધી) રેખાઓ જોવા મળે છે. નખ પર લાંબી, સીધી અને હળવી રેખાઓ દેખાવી તે વૃદ્ધત્વની એક સામાન્ય નિશાની છે. આ રેખાઓને સામાન્ય રીતે ખતરનાક માનવામાં આવતી નથી. પરંતુ તેનું કારણ ઉંમર વધવી, શરીરમાં પોષણની સામાન્ય ઉણપ છે. જો આ રેખાઓ ખૂબ ઊંડી હોય, અથવા નખ બરડ (તૂટતા) થઈ જાય કે તેમનો રંગ બદલાઈ જાય, તો તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જોકે, ખરજવું, તીવ્ર શુષ્ક ત્વચા, હાઇપોથાઇરોડિઝમ, અથવા લાઇકેન પ્લાનસ જેવા સ્વયંપ્રતિરક્ષા રોગો પણ નખ પર તિરાડો કે જાડાપણું પેદા કરી શકે છે.
ઊભી રેખાઓની જેમ નખ પર આડી રેખાઓ અને સફેદ પટ્ટાઓ પણ જોવા મળે છે. જો નખ પર આવા લક્ષણો દેખાય તો તેને ગંભીરતાથી લેવા જોઈએ, કારણ કે તે તીવ્ર બીમારીનો સંકેત હોઈ શકે છે. ઊંડી આડી રેખાઓ તીવ્ર તણાવ, ગંભીર બીમારી અથવા સતત પોષક તત્વોની ગંભીર ઉણપને કારણે નખના વિકાસમાં અસ્થાયી વિક્ષેપ સૂચવે છે. જો નખ પર આડી, સફેદ રેખાઓ અથવા પટ્ટાઓ દેખાય, તો તે આર્સેનિક ઝેર અથવા કિડની ફેલ્યોર જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના લક્ષણો પણ હોઈ શકે છે. આવા કિસ્સામાં તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી.
નખની કાળજી માટે પૌષ્ટિક આહાર જરૂરી
ઘણા લોકોને નખ પર કાળી કે ભૂરી રેખાઓ જોવા મળે છે. આને તબીબી ભાષામાં મેલાનોનીચિયા કહેવામાં આવે છે. આ રેખાઓ આઘાત (ઈજા), ચેપ, અથવા અમુક દવાઓના સેવનને કારણે થઈ શકે છે. નખ પર કાળી રેખાઓ શરીરમાં વિટામિન C, ઝીંક અને અન્ય પોષક તત્વોની ઉણપ પણ સૂચવે છે. તેના નિવારણ માટે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. જો આ રેખાઓમાંથી રક્તસ્રાવ થતો હોય, તે પીડાદાયક હોય, અથવા જો રેખાની પહોળાઈ વધતી હોય, તો તે મેલાનોમા જેવા ગંભીર ત્વચા કેન્સરનો સંકેત હોઈ શકે છે, તેથી તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
ઉપરોક્ત ત્રણ રેખાઓ પૈકી કેટલાક લોકોમાં સફેદ રેખાઓ પણ જોવા મળે છે. આ રેખાઓ માઇક્રોટ્રોમા (નાની ઈજાઓ), ઓન્કોમીકોસિસ નામનો ફૂગનો ચેપ, અથવા કેટલાક વારસાગત રોગોને કારણે પણ થઈ શકે છે. જો આ રેખાઓ વધતી જણાય, તો ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે. નખની સુંદરતા જાળવવા માટે પૌષ્ટિક આહાર લેવો જોઈએ.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)