સ્પેશિયલ ફિચર્સ

દેશના શ્રીમંત મંદિરોમાં કયા સ્થાન પર છે અયોધ્યાનું રામ મંદિર? તિરૂપતિ બાલાજી, પદ્મનાભ સ્વામી મંદિર કરતાં…

ભગવાન શ્રીરામના ભક્તો માટે આજનો દિવસ આસ્થા અને ઉત્સાહથી ભરપૂર રહ્યો છે. 25મી નવેમ્બરના અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં ભવ્ય ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના મુખ્ય શિખર પર પવિત્ર ધ્વજ આરોહિત કર્યું છે. આ ધ્વજ ગુજરાતના અમદાવાદના કારીગર ભરત મેવાડની મહિનાઓની મહેનત છે. 10 ફીટ ઊંચો અને 20 ફૂટ લાંબો આ ધ્વજ ખરેખર ખૂબ જ અદ્વિતીય છે. આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે લોકો દૂર દૂરથી આવ્યા છે. ત્યારે ચાલો જાણીએ કમાણીના મામલામાં અયોધ્યાનું આ રામ મંદિર કયા નંબરે આવે છે.

અયોધ્યાનું રામ મંદિર તેની ભવ્યતા, ધાર્મિક મહત્ત્વ અને મોટી સંખ્યામાં આવનારા ભક્તોને કારણે આ મંદિર ચર્ચામાં રહે છે. છેલ્લાં એક વર્ષમાં કમાણીના મામલે રામ મંદિરે પ્રસિદ્ધ મંદિરોની યાદીમાં સ્થાન બનાવી લીધું છે. જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે અને દાનપેટીમાં પણ ભરભરીને દાન આપે છે. રામ મંદિરની દાનપેટીમાં આવનારી રકમ સતત રેકોર્ડ તોડી રહી છે.

ભારતના સૌથી વધુ કમાણી કરનારા મંદિરોની વાત થઈ રહી હોય તો આ યાદીમાં આંધ્ર પ્રદેશનું તિરુપતિ વેંકટેશ્વર મંદિર એકદમ ટોપ પર આવે છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ મંદિરમાં દર વર્ષે 1500થી 1700 કરોડ રૂપિયાનું દાન આવે છે. બીજા સ્થાને આવે છે કે કેરળનું પદ્મનાભ સ્વામી મંદિર, જ્યાં વર્ષે દહાડે 750થી 800 કરોડ રૂપિયાનું દાન ભક્તો આપે છે.

વાત કરીએ આ યાદીમાં અયોધ્યાનું રામ મંદિર ક્યા સ્થાને આવે છે તો રામ મંદિર આ ત્રીજા નંબર પર આવે છે. ગયા વર્ષે જ આ મંદિરમાં 700 કરોડ રૂપિયાનું દાન આવ્યું છે. ટૂંકમાં અયોધ્યાના રામ મંદિરે કમાણીના મામલામાં દેશના ટોપ થ્રી મંદિરોમાં પોતાનું સ્થાન હાંસિલ કરી લીધું છે.

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ એ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પણ આર્થિક રીતે પણ ઉત્તર પ્રદેશનો ચહેરોમહોરો બદલી રહ્યું છે. શહેરમાં રોજગાર, હોટેલ્સ, ગેસ્ટહાઉસ, હોમ સ્ટે જેવી સુવિધાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે રોજગાર, ઉદ્યોગો વગેરે ધીરે ધીરે વધી રહ્યા છે. એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શહેરમાં હાલમાં 1100થી વધુ હોમ સ્ટે રજિસ્ટર્ડ છે અને એક હોમ સ્ટેની માસિક આવક રૂપિયા બે લાખની આસપાસ છે.

બીજા શબ્દોમાં કહીએ તો રામ લલ્લા અયોધ્યાવાસીઓને ખૂબ જ સારી રીતે ફળ્યા છે, કારણ કે મંદિરના નિર્માણ બાદ અહીં ટૂરિઝમમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો…“જય શ્રીરામ, શંખનાં નાદ”: PM મોદીએ રામ મંદિરના શિખર પર ફરકાવી ભવ્ય ધર્મ ધ્વજા…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button