અનંત ચતુર્દશી ક્યારે છે? જાણો ગણપતિ વિસર્જનનો શુભ સમય અને પૂજાની રીત

Anant Chaturdashi 2025: હિંદુ સનાતન ધર્મમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિની ઘરમાં સ્થાપના કરવામાં આવે છે. 10 દિવસ દરમિયાન દરરોજ તેમની આરતી કરીને થાળ ધરાવવામાં આવે છે. અંતે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાને ભીની આંખે વિદાય આપવામાં આવે છે. આ વર્ષે અનંત ચતુર્થી 6 સપ્ટેમ્બર 2025ને શનિવારના રોજ આવી રહી છે.
ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત

6 સપ્ટેમ્બર 2025 ના રોજ અનંત ચતુર્દશી 3:12 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બર 2025 ના રોજ બપોરે 1:41 વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન ભગવાન ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવાના જુદા જુદા શુભ મુહૂર્ત છે. 6 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 07:36 થી 09:10, બપોરે 12:17 થી 04:59 અને સાંજે 06:37 થી 08:02 પર વિસર્જન માટે શુભ મુહૂર્ત છે. આ સિવાય રાત્રે 09:28 થી 01:45 સુધી તથા 7 સપ્ટેમ્બર 2025ના મળસ્કે વહેલી સવારે 04:36 થી 06:02 સુધી વિસર્જન માટે શુભ મુહૂર્ત છે.
ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતા પહેલા કેટલાક વિધિ-વિધાનનું પાલન કરવું જોઈએ. સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો અને ભગવાન ગણેશની પૂજાના સ્થાનને સાફ કરો. ચોકી પર સ્વચ્છ પીળા કે લાલ રંગનું કપડું પાથરીને સ્વસ્તિક બનાવો અને તેના પર ચોખા મૂકો.
ગણેશ વિસર્જનનું વિધિ-વિધાન

વિસર્જન પહેલાં ગણેશજીની છેલ્લી પૂજા કરો. જેમાં ભગવાન ગણેશને સ્નાન કરાવીને નવા કપડાં પહેરાવો અને કુમકુમનું તિલક લગાવો. ભગવાન ગણેશને તેમના પ્રિય મોદક કે લાડુ જેવા ભોગ અર્પણ કરો. ત્યારબાદ “ઓમ ગં ગણપતયે નમઃ” મંત્રનો જાપ કરો અને ગણેશ સ્તોત્રનો પાઠ કરો.
પરિવારના બધા સભ્યો સાથે ગણેશજીની આરતી કરો. દરેકને ગણપતિ બાપ્પાની આરતી ઉતારવાનો લાભ આપો. ત્યારબાદ મૂર્તિને વિસર્જન માટે નદી, તળાવ ખાતે લઈ જાવ. તમે ઘરે પણ પાણીના કુંડમાં મૂર્તિનું વિસર્જન કરી શકો છો. મૂર્તિનું વિસર્જન કરતા પહેલા જતાં પહેલાં, “ગણપતિ બાપ્પા મોરિયા, પુઢ્ચા વર્ષી લવકર યા”નો જયઘોષ કરો.