આ વર્ષે પિતૃ અમાવસ્યા ક્યારે છે? જાણો શ્રાદ્ધ કરવા માટેનું શુભ મુહૂર્ત અને અગત્યના નિયમો

Pitru Amavasya 2025: પિતૃ અમાવસ્યા અથવા સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા એ હિન્દુ ધર્મમાં પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક ખાસ દિવસ છે. આ દિવસે એવા પૂર્વજો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે જેમની મૃત્યુ તિથિ યાદ ન હોય અથવા જેઓ આખી તિથિએ શ્રાદ્ધ કરી શક્યા ન હોય. આ દિવસે શ્રાદ્ધ કરવાથી બધા પૂર્વજોના આત્માઓને શાંતિ અને સંતોષ મળે છે. ત્યારે આ વર્ષે પિતૃ મોક્ષ અમાવસ્યાની તિથિ ક્યારે છે? આવો જાણીએ.

પિતૃ અમાવસ્યા ક્યારે છે?
વર્ષ 2025માં પિતૃ અમાવસ્યા 21 સપ્ટેમ્બર, રવિવારના રોજ છે.21 સપ્ટેમ્બર, 2025 ના રોજ સવારે 12:16 વાગ્યે અમાવસ્યા તિથિનો પ્રારંભ થશે. જેનું સમાપન 22 સપ્ટેમ્બર, 2025 ના રોજ રાત્રે 1:23 વાગ્યે થશે. આ દિવસે શ્રાદ્ધ કરવા માટેના કેટલાક શુભ મુહૂર્ત છે.
સવારે 11:50 થી બપોરે 12:38 સુધી કુતપ મુહૂર્ત છે. બપોરે 12:38 થી 1:27 સુધી રોહિણી મુહૂર્ત છે. જ્યારે બપોરે 1:27 થી 3:53 સુધી પણ સારું મુહૂર્ત છે. જેમાં તમે તમારા પિતૃઓનું શ્રાદ્ધ કરી શકો છો.
પિતૃ અમાવસ્યાનું મહત્વ અને નિયમો
પિતૃ અમાવસ્યાને મહાલયા સંપાન અથવા મહાલયા વિસર્જન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ આ દિવસે શ્રાદ્ધ કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.
પિતૃ અમાવસ્યાના દિવસે કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી પૂર્વજો ગુસ્સે થઈ શકે છે. આ દિવસે ચિકન, લીલા સરસવના પાન, જવ, મસૂર, મૂળા, દૂધી, કાકડી અને કાળું મીઠું ખાવાનું ટાળવું જોઈએ. શ્રાદ્ધ બાદ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન આપવું અત્યંત શુભ માનવામાં આવે છે.