આજે શ્રાવણ કૃષ્ણ ત્રીજ અને ચતુર્થીનો શુભ સંયોગ, જાણો કેમ ઉજવાય છે કજરી ત્રીજ અને બોળ ચોથ

શ્રાવણ મહિનાથી હિન્દુ રીત પ્રમાણે તહેવારોની સિઝન શરૂ થઈ જાય છે. રક્ષાબંધન બાદ એક બાદ એક સતત એક સપ્તાહ સુધી તહેવાર અને શુભ સંયોગ રહે છે. આ તહેવારોની શરૂઆત શ્રાવણ વદના ત્રીજથી થશે. આ વર્ષે 12 ઓગસ્ટના રોજ ત્રણ સંયોગ એક સાથે બનવાના છે. જેમાં શ્રાવણ વદ ત્રીજ એટલેક કજરી ત્રીજ સાથે શ્રાવણ વદ ચોથ એટલે કે બોળ ચોથ સાથે અંગારીકા ચોથ પણનું પણ સંયોજન થયું છે. આ દિવસ દેવી પાર્વતી, ભગવાન ગણેશ, મંગળ દેવ અને હનુમાનજીની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવો જાણીએ શુભ તિથિઓનું મહત્વ, પૂજા પદ્ધતિ અને તેના ફાયદાઓ વિશે વિગતવાર જાણકારી.
કજરી ત્રીજ અને અંગારક ચતુર્થી

શ્રાવણ કૃષ્ણ પક્ષની ત્રીજ તિથિ, જેને કજરી ત્રીજ કહેવાય છે, 12 ઓગસ્ટના સવારે 9:45 સુધી રહેશે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે ઉપવાસ કરે છે અને શિવ-પાર્વતીનો અભિષેક કરે છે. બીજી તરફ, સવારે 9:45 પછી ચતુર્થી તિથિ શરૂ થશે, જે 13 ઓગસ્ટના સવારે 7:55 સુધી ચાલશે. મંગળવારે આવતી આ ચતુર્થીને અંગારક ચતુર્થી કહેવામાં આવે છે, જે ગણેશજી, મંગળ દેવ અને હનુમાનજીની પૂજા માટે વિશેષ શુભ છે.
અંગારક ચતુર્થીનું મહત્વ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળવારનો શાસક ગ્રહ મંગળ, જેને અંગારક તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે ચતુર્થીને વિશેષ બનાવે છે. આ વ્રતથી કૌટુંબિક સુખ, સમૃદ્ધિ, રોગમુક્તિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ઉજ્જૈનના મંગલનાથ અને અંગારેશ્વર મહાદેવ મંદિરો, જે મંગળનું જન્મસ્થળ માનવામાં આવે છે, ત્યાં પૂજા કરવી ખૂબ ફળદાયી ગણાય છે. જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ હોય, તેઓ આ દિવસે શિવલિંગ પર લાલ ચંદન, લાલ ફૂલ અને મસૂર ચઢાવીને દોષ શાંતિ કરી શકે છે.
વ્રત અને પૂજા પદ્ધતિ

અંગારક ચતુર્થીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. ગણેશજીને પંચામૃતથી સ્નાન કરાવો, દૂર્વા, સિંદૂર, ફૂલ, ચોખા, ફળો અને લાડુ અર્પણ કરો. ‘શ્રી ગણેશાય નમઃ’ મંત્રનો જાપ કરો, ધૂપ-દીવો પ્રગટાવો અને આરતી કરો. આ દિવસે ઉપવાસ રાખી, સાંજે ચંદ્ર દર્શન પછી જળ અર્પણ કરી, ગણેશજીની પૂજા કરીને ભોજન ગ્રહણ કરવુ. મંગળવારે હનુમાનજીની પૂજા પણ કરવી, જેમાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો અને ગોળ-ચણાનો પ્રસાદ ચઢાવવો.
બોળ ચોથની વિશેષ પૂજા
આ દિવસે બોળચોથ તરીકે પણ ઓળખાય છે, જેમાં ગાય અને વાછરડાની પૂજાનું વિશેષ મહત્વ છે. ‘બોળ’ એટલે વાછડો, અને આ દિવસે ગાય-વાછરડાને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે. આ પૂજા સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે. લોક વાયકા પ્રમાણે આ દિવસે આખો દિવસ વ્રત ઉપવાસ કરી સાંજના સમયે ગાય માત અને તેના વાછરડાની સાથે પુજા કરવાની હોય છે. આ દિવસ મહિલાઓ ચાકુ કે કટર જેવી વસ્તુનો ઉપયોગ કર્યા વિના રસોઈ બનાવે છે.