રનિંગ કરવું સ્વાસ્થ્ય માટે લાભદાયી: જાણી લો દોડવાની સાચી રીત અને ઘૂંટણના ઘસારાની ગેરમાન્યતા

રનિંગ વજન ઘટાડવા અને ફિટનેસ માટેની ઉત્તમ રીત છે, પરંતુ ઘૂંટણના ઘસારા અંગે ચિંતા રહે છે. નિષ્ણાતો માને છે કે ખોટી રીતે દોડવાથી જ ઘૂંટણને નુકસાન થાય છે. વાસ્તવમાં સામાન્ય વ્યક્તિએ દોડવું એ વજન ઘટાડવા, હૃદય મજબૂત કરવા અને શરીરને ફીટ રાખવા માટેની શ્રેષ્ઠ વ્યાયામ પદ્ધતિઓમાંની એક માનવામાં આવે છે. ઘણા લોકો રોજ દોડે છે તો કેટલાક અઠવાડિયામાં એક-બે વાર, પરંતુ એક સવાલ હંમેશાં ચર્ચામાં રહે છે કે શું દોડવાથી ઘૂંટણના હાડકાં ઘસાઈ જાય છે?
આ મામલે નિષ્ણાંતોનું માનવું છે કે, “દોડવાથી ઘૂંટણ ઘસાતાં નથી, પરંતુ ખોટી રીતે દોડવાથી ઘૂંટણ ખરાબ થઈ શકે છે.” વિશ્વના ટોચના એથલેટ્સ, મેરેથોન રનર્સ કે ઉસૈન બોલ્ટ જેવા સ્પ્રિન્ટર્સ પણ દોડે છે, પરંતુ તેઓ ખાસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરે છે, જેથી તેમના VMO, હિપ ફ્લેક્સર અને IT બેન્ડ જેવા મસલ્સ મજબૂત રહે. આનાથી ઘૂંટણ પરનું દબાણ સમાન રીતે વહેંચાઈ જાય છે અને ઘસારો થતો નથી.
ઘણી વખત લોકો તૈયારી વગર અને ખોટી ટ્રેનિંગ સાથે કસરતના નામે દોડવાનું શરૂ કરે છે. ત્યારે પેટેલા (ઘૂંટણની ટોપી) ટ્રેકિંગ બગડવા લાગે છે. એટલે કે ઘૂંટણ વાળતી વખતે ઘૂંટણની ટોપી પગના હાડકાના ખાંચામાંથી ખસી જાય છે. આનાથી શરૂઆતમાં ઘૂંટણમાં દુખાવો થાય, પછી કટકટ અવાજ આવે અને સમય જતાં સીડીઓ ચઢવું પણ મુશ્કેલ બને.
ઘૂંટણ ઘસાવાની સ્થિતિને ડૉક્ટર્સ કોન્ડ્રોમેલેશિયા પેટેલા કહે છે. દોડતા પહેલાં 3-4 મહિના રનિંગ-સ્પેસિફિક મસલ્સ મજબૂત કરવાની ટ્રેનિંગ કરવી જરૂરી છે. આનાથી પેટેલા સાચા ટ્રેક પર ચાલે અને ઘૂંટણ પર વધારે દબાણ ન પડે. સાથે સાથે વિટામિન ડી, પ્રોટીન, ક્રિએટિન અને સારી ડાયટ પણ મહત્વની છે.



