ઓડિશાના દરિયા કિનારે અદ્ભૂત નજારોઃ જૂઓ વાયરલ વીડિયો

પ્રકૃતિના દરેક સજીવના જન્મ-મરણનું ચક્ર છે. પશુ-પ્રણીઓની ઘણી એવી પ્રાકૃતિક ક્રિયાઓ છે જે આપણને અચંબામાં મૂકી દે છે. ઓડિશાના ગંજામ જિલ્લાના ઋષિતુલ્ય સમુદ્ર તટ પર હાલમાં જે નઝારો જોવા મળ્યો છે તે અદભૂત છે. સોશિયલ મીડિયમાં ખૂબ જ વાયરલ થયેલા આ વીડિયોમાં એક બે નહીં લાખોની સંખ્યામાં કાચબા દેખાઈ રહ્યા છે.
લગભગ ત્રણ લાખ ઓલિવ રિડલી કાચબા 9000 કિલોમીટરનું અંતર કાપીને ઓડિશાના દરિયાકાંઠે પહોંચ્યા છે અને 5.5 લાખથી વધુ ઇંડા મૂક્યા છે. આ આખી પ્રક્રિયાને અરિબાડા તરીકે ઓળખવામાં આવે છે. ઓલિવ રિડલી કાચબા દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે લાખોની સંખ્યામાં આવે છે. આ કાચબાઓએ બીચની રેતી પર વિવિધ સ્થળોએ ડેરો નાખ્યો છે અને તમને માનવામાં નહીં આવે, પરંતુ લગભગ પાંચેક લાખ આસપાસ ઈંડા મૂક્યા છે.
કાચબાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે 1 નવેમ્બરથી 31 મે સુધી આ વિસ્તારમાં માછીમારીની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જોકે આ પ્રક્રિયા ફેબ્રુઆરી મહિનામાં શરૂ થાય છે. કહેવાની જરૂર નથી કે ઓલિવ રિડલી કાચબા દરિયાઈ જીવસૃષ્ટિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ દરિયાઈ જીવનનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. પરંતુ પાણીમાં થતી ગંદકી, પ્લાસ્ટિકનો કચરો અને ગેરકાયદે શિકારને કારણે તેમની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.
સરકારે લીધા છે આ પગલાં
કાચબા દ્વારા મૂકવામાં આવતા લાખો ઈંડાની સલામતી માટે ઋષિકુલ્યા બીચને 50 ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. આ કામમાં વન વિભાગના 2000 થી વધુ કર્મચારી અને પ્રાણી પ્રેમીઓ, સ્વયંસેવકો રોકાયેલા છે. જોકે તેમને જંગલી કૂતરા, શિયાળ અને શિકારીઓથી પણ સુરક્ષિત રાખવાના હોવાથી બીચની આસપાસ કોર્ડન પણ બનાવવામાં આવ્યું છે. ગયા વર્ષે કાચબા આટલી મોટી સંખ્યામાં આવ્યા ન હતા. આ વર્ષે આવ્યા હોવાથી પર્યાવરણ વિભાગ ખાસ તકેદારી રાખી રહ્યું છે.