પુરુષો તમારી આ લત પરિવારને કેટલી રંજાડે છે ક્યારેય કર્યો છે વિચાર?
લત. જેને લાગે તેને લગભગ ખબર ન પડે પણ બીજા માટે ત્રાસ બની જાય. દારૂબંધીવાળા ગુજરાતના પાટણ શહેરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવાન પત્ની તેના પતિને ઢસડીને લઈ જાય છે. પતિ દારૂના નશામાં એટલો ધૂત છે કે તેને કંઈ ભાન નથી. બન્નેને જોતા મજૂર કે ગરીબ પરિવારના હોય તેમ જ લાગે છે. લગભગ રોજ બે ટંકનું ખાવાનું જ્યાં મુસીબત હોય ત્યાં પતિ જો આ રીતે દારૂના નશામાં ધૂત થઈને આવતો હોય તો બિચારી પત્ની શું કરે.
વીડિયોમાં નશામાં ધૂત પતિ નશાની હાલતમાં રસ્તા પર પડેલો દેખાઇ રહ્યો છે. જેને લેવા પત્ની આવે છે પરંતુ પતિ આનાકાની કરીને પત્ની પર હાથ ઉપાડે છે. ત્યારે પત્ની પણ રણચંડી બનીને મારતા પતિની ફેંટ પકડીને ખેંચતી દેખાઇ રહી છે. આ મહિલા અને આના જેવી લાખો મહિલાઓ કેટલી યાતનાઓ સહન કરતી હશે પતિની આવી આદતોને લઈને. આ સાથે બાળકો પણ વિના વાંકે ભોગ બને છે.
આ અંગે મળતી પ્રાથમિક તપાસમાં મળતી માહિતી પ્રમાણે, પાટણમાં નશામાં ધૂત યુવક જાહેર માર્ગ પર તેની પત્નીને માર મારતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. યુવકે જાહેર માર્ગ પર તેની પત્નીને માર મારતા તેની પત્ની પણ રોષે ભરાઈ હતી. મહિલા તેના પતિને ખેંચીને લઈ જતી હોય છે ત્યારે મહિલા પતિનો શર્ટની ફેંટ પકડીને ખેંચે છે તો પતિ શર્ટ કાઢી નાંખે છે. પછી પેંટ પકડીને ખેંચે છે તો પતિ તે પણ કાઢીને જાહેરમાં જ અડધો નગ્ન થઇ જાય છે તો પણ તેને કોઇ ભાન રહેતું નથી. લગભગ નિર્વસ્ત્ર હાલતમાં યુવક જાહેર માર્ગ પર ફરે છે.
દારૂ સહિતની લત જેને લાગે તેનો પરિવાર ઘણીવાર ખુવાર થઈ જાય છે. પતિ કે પુત્ર કે ઘરના પુરુષોની દારૂ પીવાની લતને લીધે વધારે ત્રાસ ઘરની મહિલાઓ ભોગવે છે. એક તો આર્થિક ભીંસનો સમાનો કરવો પડે છે. બીજી બાજુ પરિવારનું વાતાવરણ ડહોળાય છે અને મોટે ભાગે મારઝૂડ અને હિંસા થાય છે જે કાંઈ વાંક વિના મહિલાઓને સહન કરવાનો વારો આવે છે. એક એવો વર્ગ છે જેમાં દારૂ પીવું સ્ટેટ્સ કે ફેશન છે. આ વર્ગને પૈસાની અછત પજવતી નથી, પણ હા આરોગ્યને લગતા નુકસાન તો એટલા જ થાય છે. ફિલ્મોમાં પણ સ્ટાઈલથી દારૂ પીતો હિરો એ રીતે બતાવાય છે જ્યારે કોઈ તીર મારતો હોય. મોટા સ્ટાર્સ પાનમસાલાની જાહેરાતો કરે, હીરોઈનો પણ હાથમાં બિયરનો ગ્લાસ લઈ જાણે આધુનિકતાનું આ જ પ્રમાણ હોય તેમ બતાવવામાં આવે. વાસ્તવમાં કોઈપણ વ્યસન કે લત સારી નથી. ઓછું કે વધારે વ્યસન વ્યસન જ રહે છે. ખાસ કરીને ગરીબવર્ગ આવી લતને લીધે નિરાશા અને બીમારીની ખાઈમાં ખાબકે છે. સરકારે તો સખત થવું જ રહ્યું, પણ સમાજે પણ સતર્ક રહેવાની જરૂર છે.