માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ‘લકી મેન’, જાણો તેના લક્ષણો અને ઉપાય…

PTSD Symptoms: અમદાવાદ વિમાન દુર્ઘટના વર્ષ 2025ની અવિસ્મરણિય દુર્ઘટના છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171માં 242 લોકો સવાર હતા. પરંતુ ટેકઓફના થોડા સમય બાદ વિમાન ક્રેશ થયું હતું. જેમાં વિમાનમાં સવાર 241 લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે ઇમરજન્સી વિન્ડો સીટ પર બેસેલા વિશ્વાસ કુમાર રમેશ નામના વ્યક્તિનો સદનસીબે જીવ બચી ગયો હતો. જોકે, હાલ આ વ્યક્તિ એક માનસિક બીમારીથી પીડાઈ રહ્યો છે.
હવે હું સાવ એકલો પડી ગયો છું: વિશ્વાસ કુમાર
વિમાન દુર્ઘટનાનો દિવસ આજે પણ વિશ્વાસ કુમાર રમેશના માનસપટ પર આવી જાય છે. જે તેમના માટે દુ:ખદાયક બની જાય છે. કારણ કે આ જ વિમાનમાં વિશ્વાસ કુમાર રમેશ સાથે તેમનો નાનો ભાઈ અજય પણ હતો. વિમાન દુર્ઘટનાના દિવસને યાદ કરતા વિશ્વાસ કુમાર રમેશ કહે છે કે, “મને લાગે છે કે, હું એ જ ક્ષણોમાં ફસાયેલો છું. રાત્રે ઉંઘ આવતી નથી. જ્યારે મારો ભાઈ ન બચ્યો, તો હું કેમ બચી ગયો? આ પ્રશ્ન હંમેશા મને હંમેશા સતાવ્યા કરે છે.” આમ આ ઘટનાના કારણે તેઓની માનસિક સ્થિતિ પર ઘણી અસર પડી છે.

હાલ વિશ્વાસ કુમાર રમેશ ઇગ્લેન્ડના લીસેસ્ટરમાં રહે છે, પરંતુ તેઓ કહે છે કે, મારું જીવન સંપુર્ણ રીતે બદલાઈ ગયું છે. રમેશ જણાવે છે કે, “હું મોટાભાગે રૂમમાં એકલો બેસી રહું છું. પત્ની કે દીકરા સાથે વાત કરતો નથી. દીમાગમાંથી એ દિવસ નીકળતો જ નથી. મારો ભાઈ મારો સહારો હતો. તેણે કાયમ મારો સાથ આપ્યો. હવે હું સાવ એકલો પડી ગયો છું. શરીરનું દુ:ખ તો મટી જશે, પરંતુ દિલનું દર્દ હજુ પણ તાજું છે.”
‘પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર’ના લક્ષણો
મનોચિકિત્સકો જણાવે છે કે, વિશ્વાસ કુમારને ‘પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર'(PTSD) નામની બીમારી છે. ઘરે પાછા ફર્યા બાદ તેઓને યોગ્ય સારવાર મળી નથી. આવો જાણીએ,આ બીમારીના લક્ષણો કેવા હોય છે અને તેની સારવાર કેવી રીતે થાય છે.
કોઈ ગંભીર દુર્ઘટનાના સાક્ષી બનેલા વ્યક્તિ ‘પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર’નો શિકાર બની શકે છે. આ બીમારીનો શિકાર બનેલી વ્યક્તિને વારંવાર સપનામાં તે દુર્ઘટના યાદ આવ્યા કરે છે. હું કેમ બચી ગયો? એવું વિચારીને તેઓ અપરાધભાવ અનુભવ્યા કરે છે. જ્યાં દુર્ઘટના બની હતી, એવા સ્થળોએ તેઓ જવાનું ટાળે છે. ઉંઘ ન આવવી, મનના લાગવું, લોકો સાથે વાત કરવાનું મન ન થવું તથા આત્મહત્યાના વિચાર આવવા જેવા હતાશાના લક્ષણો પણ જોવા મળે છે.
નિષ્ણાતોના મતાનુસાર, મોટી દુર્ઘટનાના સાક્ષી બનેલા 8થી 15 ટકા લોકો PTSDનો શિકાર બનતા હોય છે, તેઓને યોગ્ય નિદાનની જરૂર હોય છે. આવા લોકો સાથે બેસીને દુર્ઘટના વિશે ખુલીને વાત કરવા કહેવું જોઈએ. તેમની વાત સાંભળવી જોઈએ. તેઓએ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ. પોતાને ઈશ્વર દ્વારા નવજીવન મળ્યું છે, એવી ભાવનાથી અન્ય પીડિતી પરિવારોની મદદ કરવી જોઈએ. કારણ કે નિષ્ણાતો કહે છે કે, જ્યારે તમે પોતાના દુ:ખને કોઈ સારા કામમાં પરિવર્તિત કરો છો, તો ધીરે-ધીરે તમારું મન હળવું થવા લાગે છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલી તબીબી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આ પણ વાંચો…કવર સ્ટોરી : અમદાવાદ વિમાન દુર્ઘટના: આંચકો,અવાક, આઘાત વે પછી આક્રંદ…
 


