દુનિયાના 10 સૌથી મોંઘા શહેરોમાં એક પણ ભારતીય શહેર નથી

આજના સમયમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. પણ તમને એ જાણીને આશ્ર્ચર્ય થશે કે ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે હાલમાં જ વિશ્વના સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ભારતનું એક પણ શહેર નથી. બોલો હવે તમને થતું હશે ને કે ભારત કરતા પણ વધારે મોંધવારી ક્યાં વધતી હશે. તો ચાલો તમને જણાવું કે દુનિયાનું કયું શહેર છે જે મોંધવારીમાં પહેલું આવે છે.
અત્યારની રેન્કિંગ પ્રમાણે સિંગાપોર અને સ્વિસ શહેર ઝ્યુરિચ સંયુક્ત રીતે વિશ્વમાં સૌથી મોંઘા શહેર છે. જો કે ગયા વર્ષે ઝ્યુરિચ છઠ્ઠા સ્થાને હતું. પરંતુ આ વખતે સિંગાપોર સાથે ઝ્યુરિચ પણ પ્રથમ સ્થાને છે.
લંડન સ્થિત ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગના સર્વે અનુસાર 11 વર્ષમાં આ નવમી વખત છે જ્યારે સિંગાપોર સૌથી મોંઘું શહેર બન્યું છે. ગયા વર્ષે સિંગાપોર અને અમેરિકન શહેર ન્યુયોર્કને બંને સૌથી મોંઘા શહેર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આ મોંઘા શહેરોની વચ્ચે સીરિયાનું દમાસ્કસ વિશ્વનું સૌથી સસ્તું શહેર છે. તેમજ 173 દેશોની યાદીમાં ઈરાનની રાજધાની તેહરાન અને લિબિયાની રાજધાની ત્રિપોલી 172માં અને 171માં સ્થાને આવે છે.
આ ઉપરાંત યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે રશિયન શહેરો મોસ્કો અને પીટર્સબર્ગની રેન્કિંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રશિયાની રાજધાની મોસ્કો ગયા વર્ષની સરખામણીમાં 105 સ્થાનના ઘટાડા સાથે 142મા ક્રમે આવી ગયું છે. અને પીટર્સબર્ગ 147માં સ્થાને છે, જે ગયા વર્ષની સરખામણીમાં 74 સ્થાનનો ઘટાડો છે. ઈઝરાયલી શહેર તેલ અવીવને કોપનહેગન સાથે બંને આઠમા સ્થાને છે. જો કે આ રિપોર્ટ ભલે અત્યારે જાહેર કરવામાં આવ્યો હોય પરંતુ તેનો સર્વે ઇઝરાયલ અને હમાસ યુદ્ધ પહેલા કરવામાં આવ્યો હતો.
વિશ્વના 10 સૌથી મોંઘા શહેરોનું આ રહ્યું લિસ્ટ
1-. ઝ્યુરિચ અને સિંગાપોર (બંને શહેર)
- ન્યુયોર્ક અને જીનીવા (બંને શહેર)
- હોંગકોંગ
- લોસ એન્જલસ
- પેરિસ
- તેલ અવીવ અને કોપનહેગન (બંને શહેર)
- સાન ફ્રાન્સિસ્કો.