સ્પેશિયલ ફિચર્સ

એક ભૂલથી દેશના 11.5 કરોડ પાન કાર્ડ થયા નિષ્ક્રિય, હવે ભરવો પડશે તગડો દંડ

પાનકાર્ડ અને આધાર કાર્ડ વાપરતા દેશના તમામ નાગરિકોને પાનને આધાર સાથે ફરજિયાતપણે લિંક કરવાનો સરકારે આદેશ આપ્યો હતો. આ માટેની અંતિમ તારીખ 30 જૂનની હતી, આ સમયમર્યાદા પસાર થઇ ગયા બાદ હવે સરકારે કડક કાર્યવાહી કરી છે. જેટલા પણ પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન થયા હોય તે તમામને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે, આમ અંદાજે 11.5 કરોડ પાન કાર્ડ બંધ થઇ ગયા છે.

કેટલાક અહેવાલો મુજબ હાલમાં ભારતમાં પાન કાર્ડ ધારકોની સંખ્યા 70.2 કરોડ છે. તેમાંથી લગભગ 57.25 કરોડ લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું છે. ડેડલાઇન પસાર થઇ ગયા બાદ પાન કાર્ડને આધાર સાથે હજુપણ લિંક કરી શકાય છે, પરંતુ તેના માટે હવે ભારે દંડ ભરવો પડશે.

એક RTIના જવાબમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે લગભગ 12 કરોડ લોકોએ નિર્ધારિત સમય મર્યાદામાં આધાર અને પાન કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. જો પાન કાર્ડ નિષ્ક્રિય થઇ ગયું હોય તો નવું પાન કાર્ડ બનાવી શકાય છે પરંતુ તે નવા પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાનો એક હજાર રૂપિયા દંડ ભરવો પડશે. પાન કાર્ડ બંધ થવાને પગલે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે, આવકવેરા રિફંડનો દાવો નહિ કરી શકાય, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ નહિ બને, ડીમેટ ખાતું નહિ ખૂલે જેવી અનેક તકલીફો પડશે.

જો તમે ચેક કરવા માગતા હોવ કે તમારું પાન કાર્ડ તો નિષ્ક્રિય નથી થઇ ગયું, તો તમે તમારા ફોન નંબર પરથી UIDPAN < 12 અંકનો આધાર નંબર> < 10 અંકનો પાન નંબર> 567678 અથવા 56161 પર મોકલો. આ પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક સંદેશ આવશે જે તમને જણાવશે કે તમારું PAN આધાર સાથે લિંક છે કે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button