શું તમે મુંબઈ લોકલમાં આ દાદીને જોયા છે? 89 વર્ષની ઉંમરે તેમનો સંઘર્ષ સોશિયલ મીડિયા પર કેમ ચર્ચામાં છે?

મુંબઈની લોકલ ટ્રેન માત્ર આરામદાયક અને ઝડપથી એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચવાનું માધ્યમ જ નથી, પરંતુ લાખો લોકોના માટે સંઘર્ષ અને હિંમતનું પ્રતીક પણ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોએ લાખો લોકોના દિલ જીતી લીધા છે. આ વીડિયો 89 વર્ષના એક વૃદ્ધ દાદીનો છે, જે આ ઉંમરે પણ હાર માન્યા વગર મુંબઈની લોકલ ટ્રેનમાં નાની-મોટી ચીજવસ્તુઓ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.
જ્યારે મુંબઈની ઝડપી લાઈફસ્ટાઈલમાં યુવાનો પણ થાકી જતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ દાદીની હિંમત અને મહેનત સમાજ માટે એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. આ દાદીએ ખરા અર્થમાં સાબિત કરી આપ્યું છે કે ખરેખર ઉંમર એ માત્ર એક નંબર માત્ર જ છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ દાદી, જેમના ચહેરા પર કરચલીઓ છે પણ આંખોમાં અદમ્ય ઉત્સાહ છે, તેઓ મુંબઈની લોકલ ટ્રેનના ડબ્બામાં મુસાફરો વચ્ચે જઈને નાની વસ્તુઓ વેચી રહ્યા છે. તેઓ ક્યારેક પેન, હેર પિન કે અન્ય નાની એસેસરીઝ વેચે છે. 89 વર્ષની ઉંમરે જ્યાં લોકો આરામ કરવાનું પસંદ કરે છે, ત્યાં આ દાદી સવારે વહેલા ઉઠીને લોકલ ટ્રેનની ભીડમાં પોતાનો રસ્તો બનાવીને કંઈ કેટલાય લોકોને પ્રવૃત્ત રહેવાની પ્રેરણા આપે છે.
મળતી માહિતી મુજબ, આ દાદી કોઈની પાસે મદદ માંગવાને બદલે સ્વાભિમાન સાથે જીવવામાં માને છે. પોતાના પરિવારે ટેકો આપવા અને ઘર ચલાવવા માટે માટે તેમણે આ ઉંમરે કામ કરવાનું પસંદ કર્યું છે. તેમનું એવું માનવું છે કે, જ્યાં સુધી હાથ-પગ ચાલે છે, ત્યાં સુધી કોઈની પાસે હાથ ફેલાવવો નથી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો પર નેટિઝન્સ લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર આ વીડિયો વાઈરલ થતા જ હજારો લોકોએ તેની પ્રશંસા કરી છે. અને નેટિઝન્સ એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે કે, આ દાદી આપણને શીખવે છે કે મહેનત કરવામાં કોઈ શરમ નથી અને કામ કરવા માટે કોઈ ઉંમરનો બાધ નથી.
જોકે, જેવો આ દાદીજીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો એટલે કેટલાક સામાજિક કાર્યકરો અને નેક દિલ લોકોએ દાદીનો સંપર્ક કરીને તેમને આર્થિક મદદ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. પરંતુ દાદીજીની પોતે જાતે કામ કરીને મહેનત કરીને સ્વાભિમાનથી જીવવાનો સ્વભાવ તેમને આ રીતે મદદ લેવા માટે મંજૂરી આપશે કે કેમ એ એક સવાલ છે.
આ દાદીનો સંઘર્ષ એ મુંબઈનો સ્પિરીટ દર્શારે છે અને એ સ્પિરીટ એટલે ક્યારેય હાર ન માનવી. લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા અન્ય લોકો પણ આ દાદી પાસે અચૂક કંઈક ખરીદીને તેમને પ્રોત્સાહન આપે છે, જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.



