કુંડળી પછી જોજો, લગ્ન પહેલા કરાવી લેજો મહત્વના આ 3 ટેસ્ટ: સુખમાં વિતશે દાંપત્યજીવન

Pre-wedding tips: આજના આધુનિક યુગમાં લગ્ન સંબંધોમાં પરંપરાઓ સાથે વ્યવહારિકતાનું મહત્વ પણ વધી રહ્યું છે. જ્યાં પહેલાં લોકો સામાન્ય રીતે માત્ર કુંડળી મેચિંગ પર ભાર મૂકતા હતા, ત્યાં હવે સ્વાસ્થ્યની તપાસ (Health Checkup) પણ એટલી જ જરૂરી બની ગઈ છે. લગ્ન પછીનું જીવન સુખી અને તણાવમુક્ત રહે તે માટે કેટલીક જરૂરી તબીબી તપાસ કરાવવી સમજદારીભર્યું પગલું છે. અહીં લગ્ન પહેલા કરાવવાના ત્રણ મહત્વપૂર્ણ ટેસ્ટ વિશે માહિતી આપવામાં આવી છે.
લગ્ન પહેલાના ત્રણ મહત્વપૂર્ણ ટેસ્ટ
જો લગ્ન પછી કોઈને સ્વાસ્થ્ય સમસ્યા થાય તો સંબંધમાં તણાવ વધી શકે છે. આથી, લગ્ન પહેલાં જ અમુક મેડિકલ ટેસ્ટ કરાવી લેવા યોગ્ય છે. જે પૈકીનો પહેલો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (STD) ટેસ્ટ છે. આ ટેસ્ટ એવા ચેપની શોધ કરવામાં મદદ કરે છે જે જાતીય સંબંધો દ્વારા ફેલાય છે. તેમાં HIV, હેપેટાઇટિસ બી અને સિફિલિસ જેવા રોગોનો સમાવેશ થાય છે. શરૂઆતના તબક્કામાં આ રોગોના કોઈ લક્ષણો દેખાતા નથી, તેથી લગ્ન પહેલાં આ તપાસ કરાવવી બંનેની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે.
આ પણ વાંચો: હેં, ભારતના આ રાજ્યમાં લગ્ન પહેલાં જ કરે છે આ કામ… જાણીને ઉડી જશે હોંશ!
લગ્ન પહેલાના જરૂરી ટેસ્ટમાં બીજો નંબર જેનેટિક કમ્પેટિબિલિટી (Genetic Compatibility) ટેસ્ટનો આવે છે. આ ટેસ્ટ ભવિષ્યમાં બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે આનુવંશિક રોગોની સંભાવના વિશે જાણકારી આપે છે.
ઉપરોક્ત બે ટેસ્ટની સાથોસાથ ફર્ટિલિટી (Fertility) ટેસ્ટ પણ ઘણો મહત્વનો છે. આજના તણાવપૂર્ણ અને દોડધામભર્યા જીવનમાં ઘણા પુરુષો અને સ્ત્રીઓમાં પ્રજનન સંબંધિત સમસ્યાઓ જોવા મળે છે. આ ટેસ્ટ જણાવે છે કે બંનેની ફર્ટિલિટી સામાન્ય છે કે નહીં. આનાથી ભવિષ્યની યોજનાઓ બનાવવામાં સરળતા રહે છે.
શહેરી યુગલો બન્યા સભાન
નિષ્ણાતોના જણાવ્યાનુસાર, આ તબીબી તપાસ કરાવવાથી ભાવિ જીવનસાથીઓ વચ્ચે ઈમાનદારી અને ભરોસો પણ વધે છે. જ્યારે કપલ સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે પારદર્શિતાથી વાત કરે છે, ત્યારે તેઓ એકબીજા પ્રત્યે વધુ જવાબદાર અને ગંભીર સંબંધ દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે, આજે શહેરોમાં યુગલો ખુલ્લેઆમ આ પ્રકારના ટેસ્ટ કરાવવા માટે સભાન બન્યા છે અને કોઈ પણ સંકોચ વિના તેને અપનાવી રહ્યા છે. લગ્ન વિશે વિચારતા દરેક યુગલે એકવાર આ જરૂરી તપાસ અવશ્ય કરાવી લેવી જોઈએ.



