Gujaratના આ Special Polling Booth પર થાય છે 100 ટકા મતદાન, જાણો કઈ રીતે…
દેશભર અત્યાર લોકસભાની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ગયો છે અને દેશભરમાં બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. આવતીકાલે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. મતદાતાઓ માટે પોલિંગ બૂથ પર અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આજે આપણે અહીં વાત કરીએ ગુજરાતના જ એક એવા પોલિંગ બૂથની કે જ્યાં 100 ટકા મતદાન થાય છે…. આવો જોઈએ ક્યાં આવેલું છે આ મતદાન કેન્દ્ર અને 100 ટકા મતદાન પાછળનું શું છે કારણ…
અહીં વાત થઈ રહી છે ગુજરાતના જુનાગઢમાં આવેલા ગીરમાં આવેલા એક પોલિંગ બૂથ વિશે. આ મતદાન કેન્દ્ર નેશનલ પાર્કની એકદમ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે અને અહીંના મતદાતાઓની સંખ્યા વિશે વાત કરીએ તો અહીં એક જ મતદાતા છે અને આ મતદાતા માટે ઈલેક્શન કમિશન દ્વારા ખાસ પોલિંગ બૂથ ઊભું કરવામાં આવ્યું છે. સવારથી સાંજ સુધી કર્મચારીઓ આ પોલિંગ બૂથ પર તહેનાત રહેશે.
બાણેજ ખાતેના આ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા આવતા એક માત્ર મતદાતા છે મહંત હરિદાસ. મહંત હરિદાસ પાર્કમાં આવેલા પૌરાણિક મંદિરમાં રહે છે અને સેવા-પૂજા કરે છે. ગીર સોમનાથના જિલ્લા પ્રશાસક અધિકારીએ બાણેજ મંદિરની મુલાકાત લીધી હતી અને મતદાનની વ્યવસ્થા વિશે ચર્ચા-વિચારણા કરી હતી.
ચૂંટણી પંચ દ્વારા 2002થી આ રીતે ખાસ બૂથની વ્યવસ્થા કરવામાં આવે છે અને આ વખતે પણ આવતીકાલે એટલે કે સાતમી મેના રોજ યોજાનારા મતદાન માટે અહીં બૂથ બનાવવામાં આવ્યું છે. આ બૂથ પર જઈને આ મતદાર સંઘના એકમાત્ર મતદાતા હરિદાસ મતદાન કરશે. હરિદાસ આ ખાસ વ્યવસ્થા કરી આપવા માટે ચૂંટણી પંચના આભારી છે અને તેમણે જણાવ્યું હતું કે લોકશાહીને જીવંત રાખીને મારા માટે ચૂંટણી પંચ દ્વારા દરેક વખતે આ રીતે ખાસ મતદાન કેન્દ્ર ઊભું કરવા માટે આભાર…
હરિદાસે જણાવ્યું હતું કે જેવો હું વોટ આપું એટલે મતપેટીમાં 100 ટકા મતદાન થયું હોવાનો સંકેત મળે છે. મેં કોને વોટ આપ્યો એ પણ ખબર પડી જાય છે. હું બધાને અપીલ કરું છું મતદાન કરો, કારણ મત આપવો એ આપણો અધિકાર છે. ચૂંટણી એ લોકશાહીનો પાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહંત હરિદાસ પહેલાં મહંત ભરતદાસ માટે અહીં ખાસ મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવતું હતું. પરંતુ પહેલી નવેમ્બર, 2019ના બાણેજના મહંત ભરતદાસનું નિધન થયું અને હવે તેમના અનુગામી હરિદાસ માટે ચૂંટણી પંચ આ ખાસ પોલિંગ બૂથ ઊભું કરશે અને આ રીતે ગુજરાતના આ સ્પેશિયલ પોલિંગ બૂથ પર આવતીકાલે પણ દર વખતની જેમ 100 ટકા મતદાન થશે…