ફેટી લિવર શું છે, દિનચર્યામાં કેવા ફેરફાર કરવાથી લિવરની સમસ્યાઓમાં મળશે રાહત?
રોજીંદા જીવનની ભાગદોડમાં હેલ્થ હંમેશા પાછળ રહી જાય છે. અનેક પ્રયત્નો કરવા છતાંય વર્ક લાઇફ બેલેન્સ જાળવી શકાતું નથી. નાની ઉંમરમાં જ લોકો ગંભીર શારીરિક બિમારીઓનો શિકાર બની જાય છે અને તેની સામે ઉપાયો અજમાવે ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હોય છે. હાઇ બીપી, કોલેસ્ટ્રોલ જેવી બિમારીઓ અંગે સૌકોઇ વાત કરે છે પરંતુ ઘણી બિમારીઓ એવી છે જેના વિશે લોકોને પૂરતું જ્ઞાન નથી હોતું.
આવી એક બિમારી છે ફેટી લિવરની. જ્યારે લિવરમાં સામાન્ય કરતા વધારે ચરબી જમા થઇ જાય ત્યારે જે બિમારી પેદા થાય છે તેને ફેટી લિવર કહે છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં ફેટી લિવરમાંથી લિવર સોરાયસીસ પણ થઇ શકે છે.
મોટેભાગે અયોગ્ય દિનચર્ચાને કારણે તથા નિયમિત આલ્કોહોલનું સેવન કરવાથી ફેટી લિવરની સમસ્યા સર્જાઇ શકે છે. લિવરમાં સોજો, તેની કાર્યક્ષમતા પર વિપરિત અસર પડે છે. આથી ફેટી લિવરની સમસ્યા ધરાવતા લોકોએ આલ્કોહોલનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઇએ. આમ તો લિવરની સમસ્યામાં નિષ્ણાત તબીબી સલાહને આધારે જ ચાલવું જોઇએ, પરંતુ કેટલાક ઉપાયો અજમાવવાથી પણ ફેટી લિવરની સમસ્યામાં રાહત મેળવી શકાય છે.
ફેટ અને કેલરીનું સેવન ઓછું કરવું- ડાયેટમાં ફેરફાર કરવાથી સારું પરિણામ મળી શકે છે. ખાનપાનમાં લો કેલરી ફૂડનું સેવન કરવું જોઇએ. શરીરમાં ફેટની માત્રા કેટલી ગઇ તેનું પ્રમાણભાન રાખવું જોઇએ.
ફાઇબરનું સેવન વધારવું- મકાઇ, બીન્સ, બ્રોકલી, ફળોનું સેવન વધારવું જોઇએ. શરીરમાં ફાઇબર પૂરતા પ્રમાણમાં હશે તો પાચન પ્રક્રિયા સારી રીતે ચાલશે.
વ્યાયામ- શારીરિક વ્યાયામ ખૂબ અગત્યનું છે. મેટાબોલિઝમમાં સુધારાથી માંડીને હાર્ટ હેલ્થ સુધરવા સુધી અનેક ફાયદા થઇ શકે છે.
આલ્કોહોલ સંપૂર્ણ બંધ- લિવર સાથે જોડાયેલી કોઇપણ બિમારી ધરાવતા લોકો માટે આલ્કોહોલ સંપૂર્ણપણે વર્જિત છે
પૂરતી ઉંઘ લેવી- આઠ કલાકની ઉંઘ લેવાથી લિવર જ નહિ મોટાભાગની શરીરની બિમારીઓમાં ફરક પડી શકે છે.