વિજ્ઞાન અને ટેકનોલોજી

શું છે ડાર્ક પેટર્ન સ્કેમ…ગ્રાહક તરીકે તમારે આ જાણવું ખૂબ જરૂરી છે

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, તમે શોપિંગ માટે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ જોતા હશો અથવા તો શોપિંગ મોલ્સ કે મોટા સ્ટોર્સમાં જવાના પ્લાનિંગ હશે. તમે કોઈ સેવા લો કે કોઈ વસ્તુ ખરીદો ત્યારે તમે ગ્રાહક હોવ છો અને ગ્રાહક તરીકે તમારે તમારા હક અને ફરજો વિશે જાણવું ખૂબ જરૂરી છે. જો તમે ગ્રાહક તરીકે સતર્ક અને માહિતગાર રહેશો તો નાગરિક તરીકે તમે વધારે સુખી અને સુરક્ષિત રહેશો. તો આજે અમે તમને એક એવા કૌભાંડ કે રમત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના તમે ભાગ પણ છો અને ભોગ પણ છો.

તાજેતરમાં જ ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રાલયે આ મામલે ચિંતા જતાવી છે અને તે છે ડાર્ક પેટર્ન. ડાર્ક પેટર્ન જે તે કંપની પોતાની પ્રોડક્ટની માર્કેટિંગ માટે વાપરે છે. હવે આમાં સ્કેમ કઈ રીતે છે તે જાણવાની કોશિશ કરીએ.

માનો કે તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈ ખાસ કંપનીનો મોબાઈલ સર્ચ કરી રહ્યા છે. ત્યારે મોબાઈલની કુલ કિંમત છે તે સાવ નીચે નાના અક્ષરોમાં જોવા મળશે, પરંતુ જે તમારી નજરને આકર્ષશે તે હશે તેના ફિચર્સ અને તેનો ઈએમઆઈ. એટલે કે રૂ. એક લાખનો મોબાઈલ હોય તો તમને એક લાખ રકમ નજરમાં ઓછી આવશે, પણ તેના રૂ. 10,000ના ઈએમઆઈ તમને લલચાવશે. તમારું બજેટ એક લાખનું ન હોવા છતાં તમે રૂ. 10,000ના ઈએમઆઈ જોઈ આ લેવા લલચાશો. આવી જ રીતે કોઈ ફ્લાઈટની ટિકિટ બુક કરવા જાઓ ત્યારે તમને બતાવવામાં આવે કે બહુ ઓછી ટિકિટ ઉપલબ્ધ છે અને તમે તે ટિકિટ મોંઘી હોવા છતાં ખરીદી લો છો. આને કહે છે ડાર્ક પેટર્ન સ્કેમ.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ડાર્ક પેટર્ન એ એક પ્રકારનો યુઝર ઇન્ટરફેસ છે જે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તેનાથી કંપનીઓને ફાયદો થાય. ઘણી વખત ઈ-કોમર્સ કંપનીઓ તેમના પ્લેટફોર્મ પર કિંમતો અને પ્રોડક્ટની વિગતો સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ છુપાવે છે અથવા તેને એવી જગ્યાએ રાખે છે જ્યાં તે વપરાશકર્તાઓને દેખાતી નથી. ડાર્ક પેટર્ન માત્ર ઓનલાઈન જ થતી નથી, પરંતુ કંપનીઓ તેમના ગ્રાહકોને મૂર્ખ બનાવવા માટે આ પ્રથાનો ઓફલાઈન ઉપયોગ પણ કરે છે.

એ જ રીતે કંપનીઓ અમુક માલસામાનની સાથે વીમો પણ વેચે છે અને જો તેની સાથે લેવામાં આવે તો તેને સસ્તી બનાવે છે. આવી સ્થિતિમાં યુઝર્સ ઇચ્છતા ન હોવા છતાં પણ વીમો લે છે અને વધુ પૈસા ચૂકવે છે. ઘણી ઍપ અથવા વેબસાઇટ પર, જ્યારે તમે સબ્સ્ક્રાઇબ કરો છો અથવા સેવા માટે ચૂકવણી કરો છો. સબ્સ્ક્રાઇબ કરવાનો વિકલ્પ બોલ્ડ અને સહેલાઈથી દૃશ્યમાન છે, પરંતુ અનસબ્સ્ક્રાઇબ કરવાનો વિકલ્પ નાનો અને મોટાભાગે છુપાયેલો છે અને તેને શોધવો પડશે.

હવે આમ જોઈએ તો આ બધુ ગ્રાહક પોતાની પસંદગીથી કરે છે આથી આમાં વાંક ગ્રાહકોનો પણ છે જ. વાસ્તવમાં, ડાર્ક પેટર્ન કૌભાંડમાં, કંપનીઓ ગ્રાહકો સાથે છેડછાડ કરે છે, જેથી તેઓ તેમના ઉત્પાદનો ખરીદે. આ અમુક અંશે વાજબી છે, પરંતુ ઘણી વખત ગ્રાહકો પાસે આવા કૌભાંડોમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. ઉદાહરણ તરીકે, તમે વેબસાઇટ પર સબ્સ્ક્રાઇબ કરો છો. સબ્સ્ક્રિપ્શનની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, પરંતુ લવાજમ રદ કરવાની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ છે.

ઘણીવાર મોલ્સમાંથી તમે ઘરે આવો છો પછી તમરે રિયલાઈઝ થાય છે કે તમે બે-ચાર એવી વસ્તુઓ પણ ખરીદી જેની તમારે હાલમાં જરૂર ન હતી. ક્યારેક હાથમાં મોબાઈલ હોય ને ઓનલાઈન કોઈ ઓફર દેખાય એટલે ફરી આવી ઓફર આવશે કે નહીં તે ડરે તેમે વસ્તુઓ ખરીદી લો છો જેની તમારે જરૂર નથી અને હાલમાં આ માટે તમારે પૈસા ખર્ચવાના નથી. આ બધી વસ્તુઓની એડ્સ અથવા તો તમારી સામે કરવામાં આવતું રિપ્રેઝન્ટેશન એ પ્રમાણે હોય છે કે તમે ગ્રાહક તરીક દબાણમાં આવી જાઓ છો અને તે ખરીદી લો છો.

કેન્દ્ર સરકાર અને તેનો ગ્રાહક સુરક્ષા વિભાગ આ મામલે વધારે સતર્ક થયો છે અને તેનું સોફ્ટવેર બેઝ્ડ સોલ્યુશન શોધી રહ્યું છે. આ માટે એક હોકાથોનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર તેની કોશિશો કરશે, પરંતુ ગ્રાહક તરીકે આપણે જો સતર્ક રહીએ તો આ સ્કેમથી બચી શકાય.
જો તમને પણ આવા ડાર્ક પેટર્ન સ્કેમના અનુભવ થયા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button